Mysamachar.in-ભુજ:
પોલીસ વિભાગમાં નોકરી હોય અને ગુનેગાર સાથે ‘વિશિષ્ટ’ પ્રકારના સંબંધ હોય, એવા ઘણાં કિસ્સાઓમાં પોલીસ કાયદાના સકંજામાં આવી જતી હોય છે, આવો વધુ એક બનાવ જાહેર થયો છે, એક સ્વરૂપવાન લેડી કોન્સ્ટેબલ અને એક કુખ્યાત બુટલેગર થાર વાહનમાં સાથે જઈ રહ્યા હતાં એટલું જ નહીં, આ વાહને પોલીસ પર વાહન ચઢાવી દેવાનો પણ પ્રયાસ કર્યો. પોલીસે આ ‘જોડી’ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
કચ્છ પોલીસે ગાંધીધામમાં રહેતી 34 વર્ષની CID ક્રાઈમની લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. 30 વર્ષનો આ બુટલેગર ભચાઉ નજીકના જૂની મોટી ચિરઈનો છે, જેની વિરુદ્ધ ઘણાં ગુનાઓ અગાઉ પણ નોંધાયા છે. જેમાં હત્યા પ્રયાસનો ગુનો પણ છે.
પીઆઈ એસ.ડી.સીસોદિયા અને પીએસઆઈ ડી.જે.ઝાલાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે, સામખિયાળી થી ગાંધીધામ તરફ જતી સફેદ રંગની થાર ગાડીને આ ટીમે બાતમીના આધારે રોકવાનો પ્રયાસ કરેલો પણ ચાલકે પોતાનું વાહન પોલીસ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો. પોલીસે પીછો કરી થારને પકડી લેતાં તેમાંથી શરાબ મળી આવ્યો. પોલીસે યુવરાજસિંહ તથા નીતા ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી, બંનેની અટક કરી લીધી છે. બંને વિરુદ્ધ હત્યા પ્રયાસ અને પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. CID ક્રાઈમની આ લેડી કોન્સ્ટેબલ થારમાં કુખ્યાત બુટલેગર સાથે શા માટે હતી ? તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ચકચાર મચાવી છે.