Mysamachar.in-જામનગર:
જામનગર અને દ્વારકા જિલ્લાઓમાં રવિવારે અને આજે સોમવારે સવારે 10 વાગ્યા સુધી વરસાદનો મુકામ રહ્યા બાદ સવારે 10 થી 12 દરમિયાન જામનગર જિલ્લામાં જામનગર સહિતના ચાર તાલુકામાં હળવા વરસાદી છાંટા પડ્યા અને બપોરે 12 વાગ્યા આસપાસ તો, તડકાની ગેરહાજરીમાં ભીનાશવાળો ઉઘાડ પણ જોવા મળતો હતો.
સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન જામનગરમાં અડધાં ઈંચથી પણ સહેજ ઓછો વરસાદ નોંધાયો. સાથોસાથ જામજોધપુર, જોડિયા અને લાલપુર પંથકમાં હળવા છાંટા પડ્યા હતાં. આ બે કલાક દરમિયાન કાલાવડ અને ધ્રોલ પંથકમાં વરસાદી વિરામની સ્થિતિ જોવા મળી.
સમગ્ર સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કાલાવડમાં સાડા આઠ ઈંચ જેટલો નોંધાયો. સવા છ ઈંચ જેટલાં વરસાદ સાથે લાલપુર તાલુકો બીજા ક્રમે છે અને ત્રીજા ક્રમે રહેલાં જામજોધપુરમાં મોસમનો કુલ વરસાદ હજુ 6 ઈંચ પણ થયો નથી. જામનગરમાં સિઝનનો કુલ વરસાદ માત્ર સાડા ત્રણ ઈંચ થયો છે. અને જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ પણ જામનગરમાં જ રહ્યો છે. ધ્રોલ અને જોડિયામાં જામનગર કરતાં થોડો વધુ વરસાદ થયો છે.