Mysamachar.in-ગાંધીનગર:
કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ, બેટી બચાવો, બેટી પઢાવો, સર્વ શિક્ષા અભિયાન અને શિક્ષણ સંબંધિત મોટી જાહેરાતો અને ખોટી વાતો- આ પ્રકારની ‘ભેળ’ ગુજરાતમાં જાણીતી શૈક્ષણિક વાનગી છે. જેનાં વિચિત્ર સ્વાદની ચર્ચાઓ રાજ્યભરમાં લગભગ કાયમ ચાલતી રહેતી હોય, અને સાથે સાથે પ્રશ્ન પૂછાતો રહે છે કે, આમાં કયાંથી ભણે ગુજરાત ?!
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે એ જ સમયે રાજ્યના પ્રાથમિક શિક્ષણની અંધારી બાજુઓ જાહેર થઈ છે, અને આ તમામ આંકડાઓ દર્શાવે છે કે, પ્રાથમિક સરકારી શિક્ષણ ખાડે છે, સરેરાશ પરિવારોના બાળકોનું ભવિષ્ય અંધકારમય છે.
એક આંકડા મુજબ રાજ્યમાં 7,599 વર્ગખંડોમાં પતરાંની છત છે, અહીં ભણતાં હજારો બાળકો અને શિક્ષકોની ઉનાળા અને ચોમાસામાં કેવી સ્થિતિ થતી હશે ? 2,574 શાળાઓ જર્જરિત છે. નવી શાળાઓ માટે મંજૂર થતાં નાણાંનો વેડફાટ અને દુરુપયોગ પણ ચિંતાનો વિષય છે. પ્રાથમિક શાળાઓમાં 38,000 શિક્ષકોની ઘટ છે. 1,606 શાળાઓ એવી છે જે માત્ર 1 જ શિક્ષકથી ચલાવવામાં આવે છે. 14,600 શાળાઓ એવી છે જેમાં એક જ ઓરડામાં એક કરતાં વધુ વર્ગના બાળકોને ઘેટાંબકરાં જેમ ભરી, ભણાવવામાં આવે છે.
ઘણી શાળાઓને વિદ્યાર્થીઓ મળતાં ન હતાં, આથી આવી 5,616 શાળાઓ અન્ય શાળાઓમાં મર્જ કરી દેવામાં આવી છે. 13જૂને વેકેશન પૂર્ણ થતાં શાળાઓ શરૂ થઈ ગઈ તે પછી 26 થી 28 જૂન શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો. 13 થી 25 જૂન દરમિયાન જ મોટાભાગના બાળકો પ્રવેશ લઈ ચૂક્યા છે. ઢોલ હવે વગાડવામાં આવી રહ્યા છે. અશક્ત અને હાડપિંજર જેવા ઘોડાવાળી ઘોડાગાડીમાં ધોરણ એકના બાળકોના સરઘસ યોજવામાં આવે છે. બાલવાટિકાઓમાં પણ આ વર્ષે પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે, રાજ્યમાં આ પૈકી મોટાભાગની બાલવાટિકાઓએ સરકારમાં ફરજિયાત હોવા છતાં રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. ટૂંકમાં, સમગ્ર સ્થિતિ ચિંતાપ્રેરક દેખાઈ રહી છે.(ફાઈલ ઈમેજ સોર્સ ગુગલ)