Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતીઓને ધંધામાં ખોટું કરવું વધુ પસંદ છે, કુંડાળાઓ ચીતરવા વિવિધ ઉપાયોની રાતદિવસ શોધ ચાલતી રહે છે અને આ મોડસ ઓપરેન્ડીનો દુરઉપયોગ કરીને તમામ ક્ષેત્રમાં કૌભાંડીઓ અબજો રૂપિયા ઘરભેગા કરી લ્યે છે. દિવસે દિવસે ‘ચોર’ની સંખ્યા અને ચોરીનો આંકડો તોતિંગ બની રહ્યો છે.
જામનગર સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં 7 વર્ષથી GST અમલમાં છે. સરકાર લીકેજીસ બંધ કરાવી શકી નથી. એક તરફ કૌભાંડી તત્વો અને બીજી તરફ ભ્રષ્ટ અધિકારીઓ ચિક્કાર નાણું ઉસેડી રહ્યા છે. રાજ્યમાં 7 વર્ષ દરમિયાન કૌભાંડી તત્વોએ કાગળો પર રૂ. 947 અબજનું ટર્નઓવર ચીતરી, બોગસ બિલિંગના માધ્યમથી રૂ. 116 અબજ ઘરભેગા કરી લીધાં છે. કલ્પના કરો, આગલા વર્ષની સરખામણીએ આ વર્ષે GST ચોરીમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો નોંધાયો. અધિકારીઓ ભ્રષ્ટ ન હોય તો, આ ઉછાળો શક્ય કેવી રીતે બને ?
ટેક્સ ચોરી અને ટેક્સ કૌભાંડ આચરવા જુદી જુદી ઘણી રીતો અપનાવવામાં આવે છે. અબજો રૂપિયાની ચોરી થઈ રહી છે. બીજી તરફ તંત્ર એ વાતનું ગૌરવ લ્યે છે કે, ટેક્સ કલેક્શન વધી રહ્યું છે. વધે પણ છે, પરંતુ સાથે ટેક્સ ચોરી પણ વધી રહી છે, એનું શું ? રાતદિવસ મોં ભારમાં રાખીને ફરતાં અધિકારીઓને આ કૌભાંડીઓ છેતરી લ્યે છે, એવી વાત કોઈ મૂરખ જ સાચી માને. તંત્રની સામેલગીરી વિના તોતિંગ ચોરીઓ શક્ય બને ?
ફેક બિલિંગ ગુજરાતમાં મોટો ઉદ્યોગ છે. લાખો લોકો તેના પર નભે છે. ઈ-વે બિલમાં વિવિધ રીતે ગોબાચારી કરવામાં આવે છે. ચેકિંગમાં આંખ આડા કાન થતાં રહે છે. હજારો બોગસ રજિસ્ટ્રેશન દ્વારા કૌભાંડ ધમધમતા રહે છે. રજિસ્ટ્રેશન વખતે જરૂરી તપાસો શા માટે નથી થતી ? બિઝનેસ ટુ કન્ઝયુમર પેઢીઓ વેચાણ ઓછું દેખાડવા ઘણી ગેરરીતિઓ આચરે છે. કૌભાંડીઓની સંખ્યા અને કૌભાંડની રકમમાં સતત વધારો છતાં ધરપકડોનો આંકડો સતત ઘટતો જાય, તેમાં કયુ ગણિત કામ કરી રહ્યું હોય, એ સમજી શકાય એમ છે.
દિલ્હી અને ગાંધીનગર લેવલથી GST ચોરી અને કૌભાંડ અટકાવવા જાતજાતના પ્રયોગ અને અખતરા થતાં રહે છે પરંતુ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં પથરાયેલા કૌભાંડીઓ સરકારને સતત ભૂ પિવડાવી રહ્યા છે અને ખુદ અલમસ્ત બની રહ્યા છે અને અધિકારીઓને ‘સાચવી’ રહ્યા છે, સરકાર આ હકીકતોથી અજાણ હશે ??! અધિકારીઓ ડેટા એનાલિટીક જોતી વખતે ખરેખર શું જોતા હોય છે ?! આ સમગ્ર મોડસ ઓપરેન્ડીમાં ટ્રાવેલ્સ અને ટ્રાન્સપોર્ટ બિઝનેસનો સિંહફાળો હોવાનું પણ સૌ જાણે છે, છતાં દરોડા પડતાં નથી, સર્વેલન્સ થતું નથી, ઓફિસમાં બેસતાં અધિકારીઓની સાથેસાથે એન્ફોર્સમેન્ટ વિંગ પણ આવ ભાઈ હરખા, આપણે સૌ સરખા, એ સૂત્રમાં માને છે ?!