Mysamachar.in-ગાંધીનગર:
વિકાસને વરેલું સમૃધ્ધ ગુજરાત રાજ્ય ચિંતાજનક રીતે ડ્રગ્સની લપેટમાં આવી ચૂક્યું છે. આ દૂષણ સમગ્ર રાજ્યને ખોખલું બનાવી રહ્યું છે. અબજો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. શરાબની માફક અબજો રૂપિયાનું અન્ય ડ્રગ્સ નશેડીઓ સુધી પહોંચતું હોય શકે. રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. સગીરો પણ બરબાદીના માર્ગ પર ડગ માંડી ચૂક્યા છે, માત્ર સરકાર જ નહીં, વાલીઓએ પણ જાગૃત અને ચકોર બનવું પડશે. અન્ય એક મોટી ચિંતા એ પણ છે કે, ડ્રગ્સ સંબંધિત ધરપકડોનો આંક મોટો દેખાડવામાં આવે છે પરંતુ ગુજરાત અને કરોડો ગુજરાતીઓના અસલી દુશ્મન કોણ ? આ માફિયાઓના કોલર સુધી પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ કયારેય પહોંચી શકશે ? કે, આ રીતે માત્ર આંકડાઓ જ બજારમાં ઘૂમતા રહેશે ? આ અનિષ્ટને જડમૂળમાંથી ઉખેડી નાંખવા માટે નોંધપાત્ર વાઢકાપ કયારે થશે ? કયારેય થશે ? કરોડો ગુજરાતીઓ આ ચિંતાઓ કરી રહ્યા છે.
સરકાર કહે છે: અમે 4 વર્ષ દરમિયાન કુલ 87,650 કિલોગ્રામ ડ્રગ્સ કબજે લીધું. ( આ ચાર વર્ષ દરમિયાન કેટલાં હજાર કિલોગ્રામ ડ્રગ્સ નશેડીઓ સુધી પહોંચી ગયું ? આ આંકડાઓ પણ મહત્ત્વના છે). ગૃહ મંત્રાલય કહે છે: નાના કેસોમાં પણ પોલીસ અધિકારીઓ છેક મૂળ સુધી પહોંચશે. હકીકતમાં આમ બનશે ? પોલીસ અધિકારીઓ આ બાબતે ગંભીર છે ? ડ્રગ્સના ધંધામાં ચિક્કાર નાણું છે, સેંકડો યુવાનો રાતોરાત પૈસા કમાવા આ ધંધામાં ઉતરી રહ્યા છે. અને, ભ્રષ્ટાચાર મામલે પોલીસતંત્રની પ્રતિષ્ઠા કેવા પ્રકારની વર્ષોથી રહી છે, એ પ્રશ્નનો જવાબ આ સમગ્ર મામલાને વધુ ગંભીર અને ચિંતાજનક બનાવે છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર કર્યું છે કે, હવે ડ્રગ્સના ધંધાર્થીઓને વધુ ભીંસમાં લેવા આવા તત્ત્વોની મિલકતો ટાંચમાં લેવામાં આવશે. પાછલાં 4 વર્ષ દરમિયાન ડ્રગ્સના કેસોમાં કુલ 2,607 આરોપીઓની ધરપકડ થઈ છે. ગૃહવિભાગ એન્ટી ડ્રગ્સ કેમ્પેઈન ચલાવી રહ્યો છે. રાજ્યમાં નેચરલ, સિન્થેટિક અને સેમી સિન્થેટિક ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. આ તમામ ડ્રગ્સ અફીણ, ગાંજો અને કોકો પાઉડરમાંથી બની રહ્યું છે. એમડી નામના સિન્થેટિક ડ્રગ્સના કેસ ઉપરાઉપરી નોંધાઈ રહ્યા છે.(image source:google)