Mysamachar.in-ગાંધીનગર:
સરકારમાં ભ્રષ્ટાચાર કેટલો વ્યાપ્ત છે અને સરકારના કઈ કઈ કક્ષના અધિકારીઓ અને કર્મચારીઓ ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે તથા સરકારના ક્યા ક્યા વિભાગોમાં છીંડે ચડેલાં ‘ચોર’ ની સંખ્યા કેટલી છે ? આ પ્રકારના પ્રશ્નોના ઉત્તર જાહેર થયા છે. સરકારી વિભાગોના ભ્રષ્ટાચાર સંબંધિત કેસોની સંખ્યાઓ બહાર આવી છે.
સામાન્ય રીતે એવો પ્રચાર થતો હોય છે કે, મોટાં અધિકારીઓના પગારો અને ભથ્થા બહુ મોટા હોય છે, તેઓ ભ્રષ્ટાચારમાં ખાસ રસ લેતાં હોતા નથી, એમના હાથ નીચેના અધિકારીઓ અને કર્મચારીઓ પુષ્કળ ભ્રષ્ટાચાર કરે છે. આ માન્યતા પૂરેપૂરી સાચી નથી. મોટાં અધિકારીઓ પણ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોય છે. આ અધિકારીઓને સરકારે બહુ મોટી જવાબદારીઓ આપી હોય છે, સરકારે એમના પર ભરોસો મૂક્યો હોય છે, આમ છતાં આ અધિકારીઓ પૈકી સંખ્યાબંધ અધિકારીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે, એવું ખુદ સરકારના આંકડા કહે છે.
ગુજરાત સરકારના વિભાગવાર અને અધિકારીઓ તથા કર્મચારીઓની કેડર મુજબના ભ્રષ્ટાચાર સંબંધિત કેસોના આંકડા કહે છે કે, સરકારના નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠો, માર્ગ મકાન વિભાગ તથા આરોગ્ય પરિવાર કલ્યાણ તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના ઘણાં કેસ ચાલી રહ્યા છે. સરકારના વિવિધ વિભાગોના વર્ગ-1 ના કુલ 726 અધિકારીઓ વિરુદ્ધ કેસ ચાલે છે.
સરકારના આંકડા કહે છે: સરકારના વિવિધ વિભાગોના વર્ગ-2 ના કુલ 819 અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસ ચાલે છે. જેમાં આગળ કહ્યું તેમ અમુક વિભાગોમાં વધુ કેસ છે. આરોગ્ય વિભાગમાં પણ ચિક્કાર કેસ છે. મહેસૂલ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, પોર્ટ અને ટ્રાન્સપોર્ટ સહિતના સરકારી વિભાગોમાં પણ ભ્રષ્ટાચાર નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળે છે.
આ ઉપરાંત વર્ગ-3ના ભ્રષ્ટ કર્મચારીઓની વાત કરીએ તો, નર્મદા- સિંચાઈ- પાણી પૂરવઠા અને માર્ગ મકાન વિભાગ ઉપરાંત પોર્ટ અને ટ્રાન્સપોર્ટ તથા મહેસૂલ, વન પર્યાવરણ વિભાગ અને આરોગ્ય તથા ગૃહવિભાગમાં આ કેડરમાં ભ્રષ્ટાચારના કુલ 988 કેસ 31 માર્ચ, 2024ની સ્થિતિએ ચાલી રહ્યા હતાં.
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં એક પણ કેસ નથી. શહેરી વિકાસ વિભાગમાં પણ ઓછાં કેસ છે અને અન્ન નાગરિક પૂરવઠો, ઉદ્યોગ, ખાણ, શ્રમ રોજગાર તથા રમતગમત મંત્રાલય સહિતના કેટલાંક વિભાગોમાં વિવિધ ફરિયાદો ઉઠતી હોય છે પરંતુ આ વિભાગોમાં ભ્રષ્ટાચારના કેસની સંખ્યા સરખામણીએ ખૂબ જ ઓછી છે. ઉદ્યોગ, ખાણ અને અન્ન નાગરિક પૂરવઠા જેવા વિભાગો તો અવારનવાર વિવાદોમાં સપડાતા હોવા છતાં, આ વિભાગોમાં કેસ બહુ ઓછાં છે.(symbolic image source:google)