Mysamachar.in:રાજકોટ:
વરસાદની વારંવારની આગાહીઓ પછી પણ, આ વર્ષે શરૂઆતમાં દિવસો સુધી ચોમાસું માત્ર દક્ષિણ ગુજરાતમાં જ રહ્યું તેથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના પ્રદેશોમાં એક તરફ ભયાનક ગરમી અને બીજી તરફ વરસાદ ખેંચાતા લોકોમાં ભારે ઉચાટ જોવા મળતો હતો. તે દરમિયાન, કાલે રવિવારે સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકામથકોએ તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઓછાવધતો વરસાદ નોંધાતા વાતાવરણમાં ગરમીથી થોડી રાહત મળી છે અને ખેંચાયા બાદ આવેલાં વરસાદને કારણે લોકોના હૈયે પણ ટાઢક થઈ છે.
રવિવારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના વાવડ છે. આજે સવારે 6 વાગ્યે પૂરાં થતાં 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 30 તાલુકા એવા છે જયાં 1 થી લઈને 3.5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જૂનાગઢના મેંદરડા તાલુકામાં 3.5 ઈંચ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં 3 ઈંચ જેટલો, છોટાઉદેપુરના સંખેડામાં 2.5 ઈંચ જેટલો અને જૂનાગઢના તાલાળામાં પણ 2.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો.
મેઘરાજાએ આ સિઝનમાં પ્રથમ વખત કાલે રવિવારે સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવી મોટાભાગના વિસ્તારોમાં પાણી વરસાવ્યું. જામનગર, રાજકોટ, ભાવનગર ( ભાવનગરમાં જામનગરની માફક કાલના વરસાદ પછી આજે સવારે પણ વરસાદ નોંધાયો), ગોંડલ, જસદણ, જેતપુર, બોટાદ, ધારી ગીર પંથક, તાલાળા, વેરાવળ અને કોડીનાર, અરવલ્લી અને પોરબંદર જિલ્લામાં, જામનગર ઉપરાંત કાલાવડ પંથક, ચુડા તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ સહિતના પંથકમાં રવિવારના વરસાદ બાદ આજે મધ્ય ગુજરાતના અમદાવાદ અને વડોદરા જિલ્લાઓ ઉપરાંત જામનગર અને ભાવનગરમાં પણ આજે સોમવારે સવારે વરસાદ નોંધાયો છે. જો કે મોટાભાગના વિસ્તારોમાં મોસમનો પ્રથમ અને સામાન્ય વરસાદ હોવાથી હજુ વરસાદી ઠંડક પ્રસરી નથી, વરસાદી બફારો અનુભવવા મળી રહ્યો છે.