Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હોટેલ્સ અને રેસ્ટોરન્ટ સહિતના ખાણીપીણીના એકમોમાં અનેક પ્રકારની અનિયમિતતાઓ ચાલતી રહે છે, વિવિધ નિયમોનો ભંગ થતો રહે છે, છતાં મહાનગરપાલિકાઓની ફૂડ શાખાઓ અને સરકારનો ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ આ દિશામાં યોગ્ય ફરજો બજાવતો નથી, ખાણીપીણીના એકમો પ્રત્યે સત્તાવાળાઓ કૂણું વલણ અખત્યાર કરે છે, જેને કારણે અનેક જાતની ગોબાચારી ચાલતી રહે છે, લોકોના આરોગ્ય સાથે રમતો રમાતી રહે છે. સરકારનો ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ આ બાબતમાં વધુ એક વખત વારતાઓ કરનારો સાબિત થયો છે.
વિવિધ શહેરોમાં ખાણીપીણીના ધંધાર્થીઓની બેદરકારીઓ બહાર આવી રહી હોવા છતાં સરકારના ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે આવા એકમો વિરુદ્ધ તૂટી પડવાને બદલે લાખો નાગરિકોને સૂફિયાણી સલાહ આપી છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના મુખ્ય અધિકારી ડો.એચ.જી.કોશિયા વારતાઓ કરતાં કહે છે: લોકોએ હોટેલ્સ, રેસ્ટોરન્ટ અને ઢાબા જેવા સ્થળોએ ભોજન લેતાં પહેલાં આ સ્થળોએ તેમના રસોડાં ચકાસવાનો આગ્રહ રાખવો જોઈએ. અને, ખાણીપીણીની ચીજોમાં વિવિધ જીવજંતુઓ નીકળી રહ્યા છે તે અંગે આ વિભાગ જણાવે છે કે, હાલમાં ગરમી ખૂબ પડી રહી હોય, જીવજંતુઓનો ઉપદ્રવ વધતો જોવા મળી રહ્યો છે.
ટૂંકમાં, લોકોને ખાણીપીણીના સ્થળોએ રસોડાં તપાસવાની અને ગરમીને કારણે જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહ્યાની વારતાઓ કરતાં ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે એમ જાહેર ન કર્યું કે, લોકોને ખાણીપીણીના સ્થળોએ ક્વોલિટી સાથેના ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થઈ શકે તે માટે તંત્ર કડક કાર્યવાહીઓ કરશે. પોતાના તંત્રની બેદરકારીઓ અને કામચોરી અને મીઠી નજર પર ઢાંકોઢુંબો કરતાં આ અધિકારી કોશિયા લોકોને મફત સલાહો આપી પોતાની જવાબદારીઓથી હાથ ખંખેરી રહ્યા છે, જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સરકાર પણ આ વિભાગ પ્રત્યે સંવેદનશીલ કે ગંભીર નથી, એ મુદ્દો કરોડો નાગરિકોની કમનસીબી છે, સરકાર આ વિભાગમાં પૂરતાં અધિકારીઓ અને કર્મચારીઓ મૂકવાની આવડત પણ દેખાડી શકી નથી. ગુજરાતના નાગરિકોએ આ સંવેદનશીલ મુદ્દે અલગ રીતે વિચારવું પડશે. સરકાર પર દબાણ લાવવું પડશે. નહીંતર, ખાણીપીણીના ધંધાર્થીઓ, સરકાર અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ કયારેય સુધરશે નહીં.