Mysamachar.in: ગાંધીનગર
કોઈની દુકાનનો ઓટલો કે છજું અડધો કે એક ફૂટ, નિયમ કરતાં વધુ બહાર આવી ગયું હોય તો સરકારના તંત્રો તેને દબાણની વ્યાખ્યામાં ફીટ કરી, તે છજું કે ઓટલો તોડવા ત્યાં જેસીબી લઈ ધસી જાય અને સમાચારો માટે ફોટા પડાવે. આ જ સરકાર રાજ્યમાં લાખો સ્કવેર મીટર ગૌચર જમીનો ઉદ્યોગોને ધરી રહી છે અને એ પણ હોંશે હોંશે. સરકારનો એજન્ડા સ્પષ્ટ છે. સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 18,00,000 ચોરસ મીટર ગૌચર જમીનો સરકારે ઉદ્યોગોને આપી છે. આજે રાજ્યમાં 2,800 ગામડાંઓ એવા છે જેમની પાસે ગૌચરની જમીનો જ નથી. સરકારનો ખુદનો નિયમ છે કે, પ્રત્યેક ગામ પાસે નિયત પ્રમાણમાં ગૌચર જમીન હોવી જોઈએ. આ નિયમ કચરાપેટીમાં?!
રાજ્યમાં વિકાસ એ ગતિએ અને દિશામાં થઈ રહ્યો છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ માટે ચરવાની જગ્યાઓનો ખો નીકળી રહ્યો છે. ગૌચર જમીનોના વેચાણના આ આંકડાઓ સતાવાર છે. સરકારના મહેસૂલ વિભાગે જાહેર કરેલાં આંકડાઓ છે. વેચાણ થયેલી આ જમીનોના કુલ ક્ષેત્રફળનો સરવાળો એટલો મોટો છે કે તેમાં 2 અમદાવાદ શહેર સમાઈ જાય.
સરકારનો ખુદનો એવો નિયમ છે કે, દરેક ગામમાં પ્રત્યેક 100 પશુઓ માટે 40 એકર ગૌચર જમીન હોવી જોઈએ. રાજ્યમાં 9,029 ગામો એવા છે જ્યાં આ નિયમ કરતાં ઓછું ગૌચર છે. દર વર્ષે ઓછામાં ઓછાં 50 ગામોના ગૌચરનો ખો નીકળી જાય છે. દરેક ગામોમાં ગૌચર જમીનો પર દબાણો પણ નોંધપાત્ર પ્રમાણમાં છે.