Mysamachar.in-જામનગર:
કેટલાક અનુભવી લોકો એવું કહેતા સાંભળવા મળે કે બે રોટલી ઓછી ખાવી પણ વ્યાજખોરોની ચુંગાલમાં ના ફસાવવું, એટલે કે કોઈ પાસેથી વ્યાજે નાણા ગમે તેટલી જરૂર હોય પણ ના લેવા કારણ કે જો તમે એક વખત વ્યાજના ચક્કરમાં ફસાયા તો ઊંડા ખૂંપી ગયા સમજજો, આવા કેટલાય કિસ્સાઓ અત્યારસુધીમાં જામનગરમાં સામે આવી ચુક્યા છે, અને કેટલાય વ્યાજખોર ઈસમો અલગ અલગ ઓથ મેળવીને વ્યાજનો ધંધો કરતા રહે છે. ત્યારે જામનગરમાં ભૂતનાથ નામથી વડાપાઉંનો ધંધો કરતો એક વ્યક્તિ વ્યાજખોરી કરતા ઇસમોના એવા ચક્કરમાં તો ફસાયો કે ફસાતો જ ગયો અને અંતે તેને પોલીસનું શરણ લેવાની ફરજ પડી છે.
આ અંગે જાહેર થયેલ વિગતો કહે છે કે પહેલા બેડેશ્વરમાં રહેતા અને હાલ જામનગર તાલુકાના ફાચરીયા ગામમાં છેલ્લા ત્રણ માસથી રહેવા ચાલ્યા ગયેલા કમલેશ રાજુશભાઈ સોલંકી નામના યુવાન શહેરની જી.જી.હોસ્પિટલની સામે દુકાનમાં વડાપાંઉનો ધંધો કરતો હોય અને ત્રણ વર્ષ પહેલા રૂપિયાની જરૂર પડતા રૂ.5 લાખ 10% વ્યાજે મોડાવાળા કનકસિંહ જાડેજા પાસેથી લીધા હતાં. જે બાદ તે વ્યાજના ચુંગાલમાં ફસાઈ જતાં ત્રણ વર્ષના સમયગાળામાં અલગ અલગ ફાયનાન્સ કરનાર લોકો પાસેથી અલગ અલગ ટકાવારીમાં અલગ અલગ રકમો લીધી હતી જેમાં તેણે કનકસિંહ જાડેજા મોડા , જયદીપસિંહ જાડેજા (જામનગર), જયરાજસિંહ કનકસિંહ જાડેજા (મોડા), યોગેશ કોળી (જામનગર), દુષ્યંતસિંહ ઝાલા (રામેશ્વરનગર-જામનગર), અભીરાજસિંહ (નવાગામઘેડ-જામનગર), અર્જુનસિંહ જાડેજા (નવાગામઘેડ), જયરાજસિંહ જાડેજા (નવાગામ ઘેડ), હરપાલસિંહ ઝાલા (ગાંધીનગર-જામનગર), સાદીક સફીયા (બેડેશ્વર-જામનગર), અનુલ મેઘાણંદભાઈ ગઢવી (સરમત ગામના પાટીયા પાસે), સલીમ (રામેશ્વરનગર ગરબીચોક), જી-ફાઈનાન્સના માલિક (ગાંધીનગર- જામનગર), રાજ આહીર (રામેશ્વરનગર-જામનગર), વિજયસિંહ રાઠોડ (જનતા ફાટક ફાટક પાસે-જામનગર) પાસેથી રૂ40.30 લાખ 10 થી 60 % સુધીના વ્યાજે લીધા હતાં,
ફરીયાદી કમલેશનો દાવો છે કે તેને ત્રણ વર્ષમાં વ્યાજખોરોને રૂ.81.44 લાખ ચુકવી દીધા હતાં. તેમ છતાં વ્યાજખોરો વ્યાજની પઠાણી ઉઘરાણી યથાવત રાખીને અવારનવાર ધાક ધમકીઓ આપીને ચેક બાઉન્સ કરાવીને ચેક રીટર્નની ફરિયાદો કરી માનસિક ત્રાસ આપે છે, આટલેથી પૂરું ના થતું હોય વ્યાજખોરોએ વડાપાંઉનો ધંધો લઈ લીધા બાદ યુવાને અન્ય જગ્યાએ વડાપાંઉની રેંકડી કરતા તેમાં પણ ભાગીદારી નોંધાવી લીધી હતી. જેથી ફરિયાદી કમલેશ છેલ્લા ત્રણેક માસથી ફાચરીયા ગામમાં સાંઢુભાઈના ઘરે રહેવા જતો રહ્યો હતો અને ત્યાં ધંધા માટે ટ્રેકટર નવું છોડાવ્યું હતું. તે પણ વ્યાજખોરો ઝુંટવી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
આમ જામનગરમાં વધુ એક વખત વ્યજ્ખોરીની ચુન્ગાલનો આ ગંભીર મામલો સામે આવ્યો છે મહત્વનું છે કે થોડા સમય પૂર્વે સરકારે વ્યાજખોરી કરતા ઈસમો સામે લાલ આંખ કરી અને અલગ અલગ જિલ્લાઓમાં ઉચ્ચ અધિકારીઓના લોકદરબારનું આયોજન કરી અને વ્યાજખોરીથી પીડિત લોકોની ફરિયાદો નોંધવાનું શરુ કર્યું હતું ત્યારે થોડો ફફડાટ અને ધાક ફેલાયા બાદ ફરીથી સ્થિતિ જેસે થે બની રહી હોય તેમ લાગી રહ્યું છે.(Symbolic image source:google)