Mysamachar.in-રાજકોટ:
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની દિલ દહેલાવી દેતી ખબરોની આગ પર ધીમે ધીમે રાખ વળી રહી છે અને રાજકોટનો તત્કાલીન TPO મનસુખ સાગઠિયા એક માત્ર વિલન હોય, એ મતલબની ખબરો હવે વહી રહી છે. સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિઓનો કેસ નોંધાયો છે. ACB દ્વારા દાખલ કરવામાં આવેલાં આ ગુનાની અન્ય વિગતો સાથે, સાગઠિયાની ACB ને મળેલી સંપત્તિઓની વિગતો જાહેર કરવામાં આવી છે.
મનસુખ ધના સાગઠિયા વિરુદ્ધ રાજકોટ એસીબી પોલીસમથકમાં અપ્રમાણસર સંપત્તિઓ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ACBએ દાખલ કરેલાં ગુનામાં સાગઠિયાની વર્ષ 2012 થી વર્ષ 2024 દરમિયાન વસાવવામાં આવેલી મિલ્કતો અને આ સમય દરમિયાન તેના દ્વારા કરવામાં આવેલાં અપ્રમાણસર ખર્ચની વિગતો જાહેર કરવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાનની સાગઠિયાની કાયદેસરની આવક રૂ.2,57,17,359 અને આ સમય દરમિયાન તેણે પોતાના નામે, પોતાના પરિવારજનોના નામે કરેલાં રોકાણો અને ખર્ચનો કુલ આંકડો રૂ. 13,23,33, 323 જાહેર થયો. એટલે કે, આ 12 વર્ષ દરમિયાન સાગઠિયાએ રૂ. 10,55,37,355 ની અપ્રમાણસરની મિલ્કતો વસાવી અથવા ખર્ચ કર્યો. જે તેની આવકના પ્રમાણમાં 410.37 ટકા અપ્રમાણસરની સંપત્તિઓ છે.
ACB વતી આ કેસમાં પ્રાથમિક તપાસ કરનાર જે.એમ.આલ, ફિલ્ડ પોલીસ ઈન્સ્પેક્ટર, એસીબી રાજકોટ દ્વારા આ કેસ ફરિયાદી બનીને નોંધાવાયો છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988(સુધારા-2018) ની કલમ-13(1)b તથા 13(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની આગળની તપાસ રાજકોટ એસીબીના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર એસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ.લાલીવાલાને સોંપવામાં આવી છે.
-સાગઠિયાની સંપત્તિઓની એસીબી એ જાહેર કરેલી યાદી…
જય બાબારી પેટ્રોલપંપ, સોખડા, જિ.રાજકોટ- ઈન્ડસ્ટ્રીયલ ગોદામ-3, સોખડા- ગોંડલ તાલુકાના ગોમટામાં જય બાબારી પેટ્રોલપંપ, અન્ડર કન્સ્ટ્રક્શન હોટેલ, ફાર્મ હાઉસ અને ખેતીની જમીન- ગોંડલના ચોરડીમાં ખેતીની જમીન- કોટડા સાંગાણી તાલુકાના શાપરમાં ઉર્જા ઈન્ડસ્ટ્રીયલમાં ગેસ ગોડાઉન- પડધરીના મોવૈયામાં બાલાજી ગ્રીન પાર્કમાં પ્લોટ- રાજકોટમાં યુનિ. રોડ પર અનામિકા સોસાયટીમાં અન્ડર કન્સ્ટ્રક્શન બંગલો- માધાપરમાં આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ- અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ ટાઉનશિપમાં એસ્ટર ફ્લેટ- સી, 1701 અને લા મરીના માં B-7, 802 ફ્લેટ- 2 હોન્ડા સિટી કાર સહિત કુલ 6 વાહનો અને આ 12 વર્ષ દરમિયાન કુલ 8 વિદેશ પ્રવાસ જેમાં દૂબઈ, યુરોપ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુ.કે., મલેશિયા, માલદીવ, શ્રીલંકાનો સમાવેશ થાય છે.