Mysamachar.in-અમદાવાદ:
ગુજરાત સહિતના રાજ્યોમાં પોલીસમથકોમાં વિવિધ પ્રકારના ગુનાઓ આકાર લેતાં હોય છે, પોલીસ કસ્ટડીમાં આરોપીઓના મોત થઈ જાય છે, ઘણાં કિસ્સાઓમાં પોલીસનું નાગરિકો સાથેનું વર્તન અયોગ્ય હોય છે, આ પ્રકારની બાબતો જાહેર ન થઈ જાય અને પોલીસમથકોમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની શંકાસ્પદ હિલચાલો બહાર ન આવી જાય, તેવા મલિન ઈરાદાઓ પાર પાડવા પોલીસમથકોમાં કાં તો CCTV કેમેરા લગાડવામાં જ નથી આવતાં, લગાડાય તો પણ તેના કવરેજ ક્ષેત્ર પસંદ કરવામાં ઘાલમેલ થતી રહે અથવા ચોક્કસ સમયે CCTV કેમેરા બંધ રાખવામાં આવે અથવા CCTV કેમેરાની રેન્જ બહાર ખેલ પડતાં રહે- આ પ્રકારની મોડસ ઓપરેન્ડી આચરવામાં આવતી રહેતી હોય છે.
સુપ્રિમ કોર્ટે વરસો અગાઉ કહેલું છે જ કે, દેશભરના દરેક પોલીસમથકને CCTV કેમેરાની નિગરાનીમાં જ રાખવામાં આવે, આમ છતાં પોલીસ ખુદ સુપ્રિમ કોર્ટના આ આદેશનો ઉલાળિયો કરતી જોવા મળે છે, રાજ્યોના ગૃહમંત્રીઓ પણ પોલીસની આ ગતિવિધિઓ પ્રત્યે આંખ આડા કાન કરતાં રહે છે. ગુજરાતમાં પોલીસમથકના CCTV કેમેરાનો મુદ્દો વધુ એક વખત ચર્ચાઓમાં આવ્યો છે અને પોલીસને વધુ એક વખત નીચાજોણું થયું છે. રાજ્યની વડી અદાલતે આ મુદ્દે ખાખી ચામડી ખોતરી છે.
વડી અદાલતે સીધો જ પ્રશ્ન પૂછી લીધો: રાજ્યના 80 ટકા પોલીસમથકોમાં CCTV કેમેરા ચાલતાં નથી, તો ગુનો કેવી રીતે ઉકેલશો ? પોલીસદમનના 3 જુદાં જુદાં કેસમાં વડી અદાલતે પોલીસને સખત બાબતો પૂછી લીધી છે. પોલીસ અધિકારીઓ દ્વારા સામાન્ય વ્યક્તિઓ પર દમન કરવાના અને હોદ્દાનો દુરઉપયોગ કરીને લોકોને રંજાડવાના 3 જુદાં જુદાં કેસ હાલ વડી અદાલતમાં છે.
જસ્ટિસ દેસાઈએ પોલીસ વિભાગને ટકોર કરી છે કે, 80 ટકા પોલીસમથકોમાં CCTV કેમેરા ચાલતાં નથી. જો ચાલતાં હોત તો અમે ઘણાં ગુનાઓ નિવારી શક્યા હોત. પોલીસમથકોમાં ગેરકાયદે કામ થતું હોય અને કોઈ વીડિયોગ્રાફી કરે તો તેને મારવાનો અધિકાર પોલીસને કોણે આપ્યો ? આવો પ્રશ્ન વડી અદાલતે પૂછ્યો છે. અદાલતે પોલીસને કહ્યું, તમે ફાવે તેમ વર્તન ન કરી શકો.
એક વ્યક્તિની પુત્રી ભાગી ગઇ, આ પિતા પોલીસમાં ફરિયાદ કરવા ગયો. પોલીસ ઈન્સ્પેક્ટરે આ પિતાને માર માર્યો. આવો એક કેસ વડી અદાલતમાં છે. પોલીસ અધિકારીએ આ પિતાને ઢોરમાર મારતાં આ મામલાની તપાસ એસપીને સોંપવામાં આવી. અદાલતે આ મામલામાં સરકાર તથા પોલીસની ઝાટકણી કાઢતાં કહ્યું: સમન્સ મોકલ્યા વગર તમે કોઈને પોલીસમથકે કેવી રીતે બોલાવી શકો ? તમે તમારાં અધિકારીઓને છાવરી રહ્યા છો. કાયમ કોર્ટ તમને જવાબદાર અધિકારી વિરુદ્ધ પગલાંઓ લેવા ફરજ પાડે ત્યારે જ તમે તપાસના નાટક કરો છો, પોલીસ ઈન્સ્પેક્ટર હોવ એટલે ગમે તેને માર મારી શકાય ? ક્યા કાયદા હેઠળ તમે કોઈને પોલીસમથકની વીડિયોગ્રાફી કરતાં રોકી શકો ?
મહિલા અપહરણના અન્ય એક કેસમાં, બે પોલીસ અધિકારીઓ ફરિયાદી જવેલર્સના શોરૂમમાં ઘૂસી ફરિયાદીનો મોબાઇલ ઝૂંટવી લે છે અને તપાસના કામે શોરૂમ માલિકને માર મારે છે. અને તેના ઘરમાં તોડફોડ કરે છે. આ કેસમાં અદાલતે શોરૂમના ફૂટેજ રજૂ કરવા પોલીસને આદેશ આપ્યો. અદાલતે ટકોર કરી કે, કોઈ ફરિયાદી બે વર્ષ સુધી પોલીસ દમન સામે મૌન રહે, તેનો અર્થ એ નથી કે, પોલીસે દમન નથી કર્યું. આ કેસમાં પોલીસને ફૂટેજ ન મળે તો પગલાંઓ લેવા તૈયાર રહેવા અદાલતે નિર્દેેશ આપ્યો છે.
પાટણના એસપી IPS રવિન્દ્ર પટેલ વિરુદ્ધ નાણાંકીય લેવડદેવડ મામલે અપહરણનો આરોપ છે. સામાન્ય વ્યક્તિનું અપહરણ કરવાના આ મામલામાં અદાલતે IPS ની ખાલ ઉતારી. અદાલતે કહ્યું: IPS હોવાથી કાયદો હાથમાં ન લઈ શકો. IPS સામે પોલીસ ફરિયાદ નોંધતી ન હોવાની અરજીમાં વડી અદાલતના આકરાં વલણ બાદ આ મામલાની તપાસ સોંપવામાં આવી છે. આમ, જુદાં જુદાં 3 કેસમાં વડી અદાલતે ખાખી ચામડીને ખોતરતાં પોલીસને વધુ એક વખત નીચાજોણું થયું છે.(symbolic image source:google)