Mysamachar.in-જામનગર:
શહેરભરમાં ચર્ચાઓ છે કે, ગત્ મંગળવારે રાત્રે શહેરના સિટી બી ડિવિઝન પોલીસમથકમાં એક સગીરને પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવ્યો છે અને આ ઈજાઓની આ સગીરે જીજી હોસ્પિટલમાં સારવાર પણ લીધી છે. બીજી તરફ, પોલીસ જણાવે છે કે- આ છોકરો ખોટું બોલે છે. આ છોકરા વિરુદ્ધ ગુન્હો નોંધાયેલ છે,
જામનગરના સિટી બી ડિવિઝન પોલીસમથકમાં નવાગામ ઘેડ વિસ્તારના એક પરિવારના સગીરને પોલીસ ઈન્સ્પેક્ટરની ચેમ્બરમાં પોલીસ અધિકારી તથા કર્મચારીઓએ માર માર્યો છે અને આ મારને કારણે થયેલી ઈજાઓની સગીરે જીજી હોસ્પિટલમાં સારવાર પણ કરાવવી પડે છે, એવા અહેવાલો વચ્ચે આ સગીરે એમ જાહેર કર્યું કે, તેને પોલીસમથકમાં મૂંઢમાર મારવામાં આવ્યો અને અતિશય ભૂંડી ગાળો આપવામાં આવી. આ આખો મામલો શહેરમાં ચર્ચાઓમાં છે.
આજે સવારે Mysamachar.in દ્વારા આ બાબતે પોલીસ ઈન્સ્પેક્ટર પી.પી ઝા નો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે આ ઘટનાનો ઈનકાર કરતાં, અન્ય કેટલીક વિગતો આપી હતી. આ આખો મામલો 3 મહિનાથી ચાલતો હોવાનું જણાવ્યું છે. અને, આ સગીર એક ગુન્હામાં નામજોગઆરોપી હોવાનું પણ બહાર આવ્યું છે.
પોલીસ ઈન્સ્પેક્ટર પી.પી. ઝા કહે છે: ગત્ ધૂળેટીના તહેવાર સમયે, હત્યાના પ્રયાસની એક ફરિયાદ થયેલી. આ ફરિયાદ 25 માર્ચે થઈ હતી. જેમાં ઘણાં આરોપીઓ હતાં. આ સગીર પણ આ ફરિયાદમાં આરોપી છે. આ સગીર નાસતો ફરતો આરોપી છે. આ કેસના કેટલાંક આરોપીઓ જેલમાં છે. આ સગીર, અન્ય એક મહિલા અને અન્ય બે આરોપીઓ સહિત કુલ ચાર આરોપીઓ હજુ પોલીસના હાથમાં આવ્યા નથી. આ સગીરની માતા સામે દારુ અંગેના કેસ પણ નોંધાયેલ છે, તેણી પર જૂના કેસ પણ છે અને આ વર્ષે પણ કેસ નોંધાયેલ છે. ગત્ માર્ચના આ હત્યા પ્રયાસ કેસ મામલે આ સગીરને પોલીસમથકે આવવાનું થયેલું.
ઝા વધુમાં કહે છે: સિટી બી ડિવિઝન પોલીસમથકમાં અગાઉના આ કેસ સંદર્ભે આ સગીરની પૂછપરછ કરવામાં આવી છે. આ સમયે મારી હાજરી SP કચેરીએ અને અદાલતમાં હતી. આ સગીરને PI ચેમ્બરમાં લઈ જવામાં આવ્યો નથી. અગાઉના કેસના CCTV ફૂટેજ આ સગીરને દેખાડી તે કેસના નાસતા ફરતા આરોપીઓની ઓળખ મેળવવાની કામગીરીઓ ચાલતી હતી. સિટી બી ડિવિઝન પોલીસમથકમાં આ સગીર હતો તે દરમિયાનના CCTV ફૂટેજ પોલીસ પાસે મોજૂદ છે. માત્ર અમુક મિનિટ પૂરતો જ આ સગીર CCTV ફૂટેજ બહાર છે.
આમ આ આખા પ્રકરણમાં હાલ બંને તરફની વાતો બહાર આવી રહી છે, જેટલો સમય માટે આ સગીર CCTV ફૂટેજ બહાર છે, એટલો સમય તે કયાં હતો ? હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેની ઈજાઓ અંગે MLC પેપરમાં શું લખાયું છે અને માર્ચ મહિનાના આ હત્યા પ્રયાસ કેસમાં આ સગીરની ભૂમિકાઓ શું છે તેમજ હવે આ જૂના કેસમાં આ સગીરની અટક કરી લેવામાં આવશે કે કેમ, વગેરે મુદ્દાઓ ચર્ચાઓમાં આવ્યા છે. વધુ એક વખત સિટી બી ડિવિઝન પોલીસમથક ચર્ચાઓમાં આવ્યું છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ પોલીસમથક હેઠળના વિસ્તારોમાં તાજેતરમાં એક જ સપ્તાહમાં 3-3 હત્યાઓ થતાં, પોલીસ ચર્ચાઓમાં છે. એમાંયે હોસ્પિટલમાં હત્યારાઓ દ્વારા જે રીતે સરાજાહેર એક યુવાનને વેતરી નાંખવામાં આવ્યો, એ ઘટના બાદ તો જામનગર પોલીસની પ્રતિષ્ઠા સામે અનેક સવાલો ઉભા થયા હોય, જામનગર પોલીસ છેલ્લા કેટલાંક દિવસોથી ચર્ચાઓમાં છે, એ દરમિયાન સિટી બી ડિવિઝન પોલીસમથક પણ ચર્ચાઓમાં આવ્યું છે.