Mysamachar.in-જામનગર:
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર બી.કે. પંડયા તથા ડી.આઈ.એલ.આર. કચેરીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જામનગર જિલ્લાના ખેડૂતો તથા નાગરિકોના જમીન માપણી સહિતના પ્રશ્નો ઉકેલાય તે દિશામાં આયોજન હાથ ધરવા મંત્રીએ સૂચનો કર્યા હતા. બેઠકમાં મંત્રીએ વિવિધ ગામોની માપણી બાદની સ્થિતિ, જિલ્લામાં સ્ટાફ તથા મશીનરીની ફાળવણી, પડતર અરજીઓનો ત્વરિત અને સંતોષકારક નિકાલ લાવવો વગેરે બાબતે ચર્ચા કરી હતી તેમજ નાગરિકો દ્વારા મંત્રી મારફત રજૂ કરાયેલ પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા સૂચના કરી હતી.
તમામ અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ થાય તેમજ અરજદારોને મુશ્કેલી ન પડે તે હેતુથી કચેરી દ્વારા સરળ વ્યવસ્થાઓ ઊભી કરવા, ગ્રામ્ય કક્ષાએ વિવિધ ટીમો દ્વારા જમીન માપણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તે અગાઉ ખેડૂતોને જાણ કરવી, કચેરી ખાતે પણ ફાળવવામાં આવેલ સ્ટાફ દ્વારા દફ્તરી અંગેની કામગીરી વેગવંતી બનાવવા અંગે મંત્રીએ લગત અધિકારીઓને જણાવ્યું હતું.આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરબી. એન. ખેર, ડી. આઈ. એલ. આર. અધિકારી કાનજીભાઇ ગઢીયા, અન્ય પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.