Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાતમાં આજે મંગળવારે સવારે અરેરાટી વ્યાપી ગઈ. એક સોની મહાજન પરણીતાનું તેના પતિએ મારેલાં માર બાદ મોત નીપજયું છે અને બાદમાં તેણીના પતિએ આપઘાત કરી લીધો હોય, આ કમનસીબ પરિવારના 3 બાળકો નોધારા બની ગયા છે.
આજે બપોરે Mysamachar.in દ્વારા આ બનાવ સંબંધે કલ્યાણપુરના મહિલા પીએસઆઈ ઉષા અખેડ સાથે વાતચીત કરવામાં આવી હતી. આ બનાવની પોલીસમાં જાહેર થયેલી વિગતો એવી છે કે, કલ્યાણપુર તાલુકાના ભોગાતમાં રહેતાં આશરે 40 વર્ષના શૈલેષભાઈ નામના સોની મહાજન યુવાન અને તેમના આશરે 38 વર્ષના પત્ની જશુબેન વચ્ચે કાલે સોમવારે રાત્રે કોઈ કારણસર ઝઘડો થયો હતો. ઘરકંકાસને કારણે થયેલાં આ ઝઘડામાં પતિએ પોતાની પત્નીને મૂંઢ માર માર્યો હતો. ત્યારબાદ દંપતિ સહિતનો પરિવાર સૂઈ ગયો હતો. આજે સવારે આ મહિલા ઉંઘમાંથી ઉઠ્યા ન હતાં. આથી સ્વાભાવિક રીતે જ તેણીનો પતિ મૂંઝવણમાં મૂકાઈ ગયો હતો. બાદમાં એવું જાણવા મળેલ છે કે, આજે મંગળવારે સવારે આ યુવાને પોતાના 3 બાળકોને ભગવાનના દીવાબતીના કામમાં વ્યસ્ત રાખી, પોતે ઘરમાં જ ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો.
પોલીસે વધુમાં જણાવ્યું છે કે, સ્થળ પર પંચનામું વગેરે કાર્યવાહીઓ કરી પતિ અને પત્નીના મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે. એવું જાણવા મળેલ છે કે, મૃતક પરણિતાને માથામાં જૂનું હેમરેજ હોય આ મૂંઢમારને કારણે પહોંચેલી ઈજાઓ જીવલેણ પૂરવાર થઈ હોય એમ બની શકે છે, જો કે આ અંગેની સત્તાવાર તબીબી સહિતની વિગતો પોસ્ટમોર્ટમ અને ઉંડી પૂછપરછ બાદ જ જાણવા મળી શકે. હાલમાં આ સોની પરિવારનો એક દીકરો અને બે દીકરીઓ એમ કુલ 3 બાળકો માતાપિતા વિના નોધારા બની ગયા છે. આ બનાવની વધુ વિગતો પોલીસ મેળવી રહી છે. સોની પરિવારનો આ જીવલેણ કજિયો ભોગાતમાં ચર્ચાસ્પદ બન્યો છે અને નાના એવા ભોગાત ગામમાં આ કમનસીબ બનાવને કારણે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.