Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીકના સલાયા પાસેના મોટા માંઢા ગામમાં 14મી જૂને સવારે 11:00 વાગ્યે, એસ્સાર બલ્ક ટર્મિનલ( સલાયા)ની વિસ્તરણ યોજના માટેની જાહેર લોકસુનાવણી યોજવામાં આવી હતી. આ સમયે ગંભીર વાંધાઓ લેખિતમાં રજૂ થતાં સનસનાટી મચી ગઈ છે. આ રજૂઆતમાં એસ્સારના આ પ્રોજેક્ટને ‘બોમ્બ’ લેખાવવામાં આવ્યો છે અને ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ લોકસુનાવણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ રિદ્ધિબા જાડેજાએ લેટરપેડ પર જાહેર કર્યું છે કે, પશુ- પક્ષી- દરિયાઈ અને જમીન પરની જીવ સૃષ્ટિ, પાણી, ખેતી તથા ચરિયાણના વિસ્તારો અને માણસોના નિરોગી ગ્રામ્ય જીવન તથા પ્રકૃતિ, પર્યાવરણના રક્ષણ સંબંધે તેમને ઘણાં બધાં વાંધેદારોના વાંધાઓ મળેલ છે. આ વાંધાઓના અનુસંધાને તેઓએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કલેક્ટર ઉપરાંત છેક દિલ્હી સુધી તમામ સંબંધિત સત્તાવાળાઓને લેખિત રજૂઆત કરી છે. રાજ્યના પર્યાવરણ મંત્રાલયને પણ નકલ મોકલવામાં આવી છે.
આ રજૂઆતમાં જણાવાયું છે કે, અહીં આ બંદર પર જેજે ચીજોની અવરજવર થશે તે તમામ ચીજો માણસના જીવન માટે, પર્યાવરણ માટે, દરિયાઈ જીવ સૃષ્ટિ માટે પરમાણુ બોમ્બ સમાન પૂરવાર થશે. પ્રદૂષણ ફેલાવશે. આ વિસ્તારમાં બધું ખતમ થઈ જશે. પરોડીયા, મોટા માંઢા અને સલાયા સહિતના વિસ્તારો ખેતી અને પ્રકૃતિ સહિતની બાબતોમાં સમૃધ્ધ છે. છેલ્લા 6-7 વર્ષ દરમિયાન આ પંથકમાં એસ્સાર કંપની દ્વારા કોલસા સંબંધિત જે પ્રવૃતિઓ થઈ રહી છે, તેને કારણે બધું જ ખલાસ થઈ ગયું છે. પારાવાર નુકસાન થયું છે. ખેતીની જમીનો અને કૂવાના પાણી પણ પ્રદૂષિત થયા છે. લોકોને પણ રોગો થઈ રહ્યા છે.
નાના માંઢા અને સલાયા સહિતના પંથકમાં દરિયાઈ જીવ સૃષ્ટિ ખલાસ થઈ છે. નાની માછીમાર બોટ મારફત પકડવામાં આવતી નાની માછલીઓ પણ બિનફળદ્રુપ અને ઝેરીલી થઈ ગઈ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ચેરના જંગલોનો નાશ થઈ રહ્યો છે. જમીનમાં રહેલાં મીઠાં પાણીને પ્રદૂષિત કરી નાંખવામાં આવ્યું છે. લોકોને જાતજાતના રોગો થઈ રહ્યા છે. કંપનીનો વર્તમાન પ્રોજેક્ટ બેફામ પ્રદૂષણ ફેલાવે છે, ગંભીર નુકસાન કરે છે, તેથી પણ હાલની વિસ્તરણ યોજના સામે લોકોને વાંધો છે.
કંપનીનું પ્રદૂષણ ઘાસ વગેરે મારફતે પશુઓમાં પણ પુષ્કળ રોગો ફેલાવે છે. પશુઓના અકાળે મોત થઈ રહ્યા છે. મોતનું પ્રમાણ વધી ગયું છે. અહીં બેફામ પ્રદૂષણ ફેલાવી મોટી વસતિને અહીંથી વિસ્થાપિત કરવાની ગેરકાયદેસરની પ્રવૃતિઓ થઈ રહી છે. એક કંપનીને ફાયદો કરાવવા સંખ્યાબંધ લોકોની રોજીરોટી છીનવી લેવામાં આવી રહી છે. લોકોના મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવી રહ્યા હોય, સેંકડો ગ્રામજનો કંપનીની આ વિસ્તરણ યોજનાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.
ભૂતકાળમાં આ કંપનીએ અહીં પરોડીયા, મોટા અને નાના માંઢા તથા સલાયાના ઘણાં બધાં ખેડૂતોની ખેતીની જમીનો સરકારી મશીનરી સાથે ગોઠવણ કરી, મફતના ભાવે છીનવી લીધી છે. 10-10 વર્ષથી આ મુદ્દે કાનુની લડતો ચાલી રહી છે. એસ્સાર કંપની લોકલ ગુંડા, મવાલી અને માલદાર લોકો સાથે સંબંધો રાખીને ખેડૂતો અને ગ્રામજનોને દબાવે છે. કંપની દાદાગીરી આચરે છે. ડરના કારણે કોઈ કંપની વિરુદ્ધ બોલી શકતું નથી. જમીન સંપાદનમાં પણ ગેરરીતિઓ થઈ રહી છે. એક ખેડૂતની જમીનના એક ચો.મી.ના રૂ. 120 ચૂકવવામાં આવ્યા છે. અને, સરકારી ખરાબાની તથા ગૌચરની જમીનના એક ચો.મી.ના રૂ. 1,625 લેખે કંપનીએ ચૂકવ્યા છે. આ રીતે ભૂતકાળમાં કંપનીએ સ્થાનિક લોકોની જમીનો ઝૂંટવી લીધી છે.
આ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, કંપની સરકારી તંત્રો સાથે સાંઠગાંઠ ધરાવે છે અને કંપની છેલ્લી પાયરીની નીતિ અખત્યાર કરી લોકોને સતાવે છે. અયોગ્ય વર્તન કરે છે. આ વિસ્તારમાં હાલમાં પણ ડ્રગ્સ સહિતની દાણચોરી થઈ રહી છે, કાર્ગો જેટીને મંજૂરી આપવાથી દાણચોરી મોટાં પ્રમાણમાં વધશે. આ વિસ્તારના કેટલાંય નિર્જન ટાપુઓ પર પાકિસ્તાન ગેરકાયદેસર પ્રવૃતિઓ કરે છે. આવા સંવેદનશીલ વિસ્તારમાં કાર્ગો જેટીને મંજૂરીઓ આપવી જોઈએ નહીં. સૈન્યના થાણાંઓની ગુપ્તતા માટે પણ આ વિસ્તારમાં આ પ્રકારના પ્રોજેક્ટને મંજૂરીઓ આપવી જોઈએ નહીં. અહીં મંજૂરીઓ આપવામાં આવશે તો, આ વિસ્તારની હાલત પણ કંડલા અને મુંદ્રા બંદરના લોકો જેવી થશે. આ પ્રકારના લેખિત વાંધાઓ એસ્સાર બલ્કની લોક સુનાવણીમાં થતાં સમગ્ર સલાયા પંથક અને જિલ્લામાં સનસનાટી મચી ગઈ છે.