Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતની વડી અદાલતે પાછલાં દિવસોમાં બે વખત સરકારને પૂછયું કે, સરકાર પોલિસીંગ કાર્યવાહીઓ કેવી રીતે કરી શકે છે ? આમાં સુરક્ષા કેવી રીતે કરી શકાય ? રાજ્યમાં પોલીસ વિભાગમાં હજારો જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોવાને કારણે અદાલતે સરકારને આ પ્રશ્નો પૂછ્યા હતાં. આ મામલો હાલ પણ વડી અદાલતમાં છે.
કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકત અને જાનમાલને થતાં નુકસાનને અટકાવવા સહિતની બાબતોમાં પોલીસની ભૂમિકાઓ મહત્ત્વની હોય છે. આ સંદર્ભે હાઇકોર્ટમાં સુઓમોટો સુનાવણીઓ ચાલી રહી છે. સરકારે સોગંદનામું દાખલ કર્યું. તેમાં જણાવાયા મુજબ, 31-03-2024ની સ્થિતિએ રાજ્યમાં પોલીસવિભાગમાં 28,993 જગ્યાઓ ખાલી પડી છે.
આટલી મોટી ખાલી જગ્યાઓ છતાં સરકાર દ્વારા ભરતીઓ માટેની કામગીરીઓ અસરકારક રીતે ન થતાં, ગુજરાતની વડી અદાલત અગાઉ પણ નારાજગીઓ વ્યક્ત કરી ચૂકી છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આગામી સમયમાં સરકાર કેવી રીતે અને ક્યારે ભરતી કરશે, પોલીસ ભરતી બોર્ડની રચના, તેના સભ્યોની માહિતીઓ, ભરતીની પ્રક્રિયાઓ સહિતના મુદ્દે વિગતવાર જવાબ આપવા ગૃહવિભાગને જણાવ્યું છે. આ જવાબ 2 જૂલાઈ સુધીમાં દાખલ કરવાનો છે.
આમ તો જો કે આ બધી બાબતો અંગે સુપ્રિમ કોર્ટે છેક 2019માં તમામ રાજ્ય સરકારોને આ નિર્દેશ આપેલો. ત્યારબાદ, ગુજરાતની વડી અદાલતે આ સુઓમોટો સુનાવણીઓ હાથ ધરી છે. એ પછી સરકારે અગાઉ પણ સોગંદનામું દાખલ કરી વડી અદાલતને ભરતીઓ અંગે ખાતરીઓ આપેલી. જો કે ત્યારબાદ પણ સરકાર દ્વારા આ દિશામાં નક્કર કાર્યવાહીઓ કે કામગીરીઓ કરવામાં આવી નથી. બીજી તરફ હજારો બેરોજગાર યુવકો અને યુવતિઓ નોકરી માટે તલસે છે.
વડી અદાલતે આ સુનાવણી દરમ્યાન એવી પણ ટકોર કરી કે, માર્ચ-2023 પછી સરકાર દ્વારા પોલીસતંત્રમાં પ્રમોશન કે સીધી ભરતીઓની કામગીરીઓ કરવામાં આવી નથી. સરકારપક્ષ દ્વારા ભરતીઓ ન થવા પાછળના જુદાં જુદાં કારણો જણાવવામાં આવ્યા. જો કે વડી અદાલત સરકારની આ દલીલોથી પ્રભાવિત થઈ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં સરકાર દ્વારા માર્ચ, 2024માં પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. જો કે વડી અદાલતે સરકારને કહ્યું કે, આ ભરતી બોર્ડના સભ્યો વિશેની કોઈ માહિતીઓ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી નથી. તેના સભ્યોને નોમિનેટ કરીને બોર્ડની રચના કરવામાં આવી નથી.
તેથી વડી અદાલતે રાજ્યના ગૃહવિભાગ પાસેથી આગામી દિવસોમાં સરકાર ક્યા પ્રકારે પોલીસ ભરતીઓ કરવા માંગે છે, તે માટે પોલીસ ભરતી બોર્ડની રચના, બોર્ડના સભ્યોની માહિતીઓ, ભરતીની પ્રક્રિયાઓ વગેરે મુદ્દે વિગતવાર જવાબી સોગંદનામું રજૂ કરવા નિર્દેશ આપ્યો છે અને કેસની વધુ સુનાવણી આગામી બીજી જૂલાઈએ રાખી છે.