Mysamachar.in:અમદાવાદ:
જામનગર સહિતનું ગુજરાત ઔદ્યોગિક છે. હજારો ઉદ્યોગો અને લાખો ટન જોખમી, ઝેરી કચરાનું ઉત્પાદન. અફસોસ અને ચિંતાજનક બાબત એ છે કે, આ દિશામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અસરકારક ભૂમિકાઓ ભજવી શકતું નથી. ગુજરાતના નાગરિકોના આરોગ્ય સામે આ કેવડો ખતરો ?! તેનો જવાબ બહાર આવવો જોઇએ. આ મામલો જિંદગીઓ, બિમારીઓ અને મોતનો તથા પર્યાવરણ સુરક્ષાનો છે.
સમગ્ર દેશમાં જે હાનિકારક કચરો પેદાં થાય છે તેનો 40 ટકા હિસ્સો આપણું ગુજરાત પેદાં કરે છે. અને, અચરજની વાત એ પણ છે કે, હજારો ઔદ્યોગિક એકમો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ સંબંધે રિપોર્ટ પણ આપતાં નથી. બોર્ડ આંખો બંધ કરીને બેઠું હોય છે ? આવા એકમો વિરુદ્ધ ક્લોઝર નોટિસ સુધીના આકરાં પગલાંઓ ભરવા જોઈએ એવું જાણકારો માને છે.
દેશના 5 મોટાં રાજ્ય જેટલો હાનિકારક કચરો પેદાં કરે છે તેટલો કચરો ગુજરાત એકલું પેદાં કરે છે. આ વિકાસનું ગૌરવ લઈ શકાય ?! એવો પણ પ્રશ્ન ઉઠે. ગુજરાતમાં જે હાનિકારક કચરો પેદાં થાય છે તે પાંચ વર્ષ દરમિયાન અઢી ગણો વધી ગયો. તેમાંથી રિસાયકલીંગ કેટલું ?
2022-23 માં દેશમાં 1.56 કરોડ મેટ્રિક ટન હાનિકારક કચરો પેદાં થયો. જે પૈકી 63.23 લાખ મેટ્રિક ટન કચરો એકલાં ગુજરાતનો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો રિપોર્ટ કહે છે: ગુજરાતમાં હાનિકારક કચરો પેદાં કરતાં 23,057 ઔદ્યોગિક એકમો પૈકી 13,714 એકમોએ વેસ્ટ જનરેશન અને રિસાયકલીંગ અંગેના રિપોર્ટ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આપ્યા છે.
જે એકમો હાનિકારક કચરા અંગે આવા રિપોર્ટ આપતાં નથી તેવા એકમોને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નોટિસ આપે છે. ગુજરાતમાં આ દરમિયાન 4.93 લાખ મેટ્રિક ટન હાનિકારક કચરાનો નિકાલ કરવામાં આવ્યો નથી. ગુજરાતે 2018-19 માં દેશના કુલ કચરાનો 29 ટકા કચરો પેદાં કર્યો. 2022-23 માં આ પ્રમાણ વધી 40 ટકા થઈ ગયું.
ગુજરાત માફક મહારાષ્ટ્ર અને તામિલનાડુ તથા આંધ્રપ્રદેશ પણ ઔદ્યોગિક રાજ્યો છે. પરંતુ ત્યાં પ્રમાણમાં હાનિકારક કચરો ઓછો પેદાં થાય છે. ગુજરાતમાં આ પ્રમાણ મોટું છે. ગુજરાત વેસ્ટની આયાત પણ કરે છે. કેટલોક કચરો સળગાવે છે. કચરો સ્ટોરેજ વધુ કરે છે. જેમાંથી અમુક ભાગ રિસાયકલીંગ થાય, અમુક ભાગ ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે. રિસાયકલીંગ અને ફરીથી આશરે 28 ટકા કચરો ઉપયોગમાં લેવાય છે.
રાજ્યમાં હાનિકારક કચરાના મેનેજમેન્ટ માટે 360 એકમ રિસાયકલીંગ માટે, 313 યુનિટ ફરીથી ઉપયોગ માટે છે. 11 કોમન ટ્રીટમેન્ટ- સ્ટોરેજ અને ડિસ્પોઝલ ફેસિલિટી માટેના યુનિટ છે. ગુજરાતમાંથી 12.81 લાખ મેટ્રિક ટન હાનિકારક કચરો અન્ય રાજ્યોમાં મોકલવામાં આવ્યો.