Mysamachar.in-જામનગર:
ઉનાળાની સિઝન એટલે સામાન્ય રીતે બિમારીનું ઘર. ઘણાં બધાં લોકો જુદાં જુદાં કારણોસર બિમાર પડતાં હોય છે. ઉનાળામાં ઠંડા પીણાં અને બરફગોલા તથા આઇસક્રીમ વગેરેનો પણ મોટો ઉપાડ અને ઉપાડો હોય છે, એ દરમિયાન પાણીજન્ય રોગ તરીકે કોલેરાનો રોગ દેખા આપી શકે છે. ખાસ કરીને ઉનાળો જતો હોય અને ચોમાસાની આગમનની તૈયારીઓ હોય ત્યારે પણ આ પ્રકારના કેસ જોવા મળતાં હોય છે. અમદાવાદ અને સુરતમાં કોલેરાના નોંધપાત્ર કેસ જોવા મળી રહ્યા છે. જામનગરમાં કોલેરાના એક દર્દી નોંધાયા હતાં પણ હાલ તેઓ સ્વસ્થ થઈ ગયા છે. શહેરમાં ચિંતાઓ જેવી કોઈ સ્થિતિ નથી પરંતુ ચોમાસાની સિઝન દરમ્યાન તકેદારી આવશ્યક છે.

સામાન્ય રીતે કોલેરાના બેકટેરીયા દૂષિત પાણી મારફત માણસના શરીરમાં પ્રવેશતા હોય છે અને આંતરડામાં આ રોગનો પ્રારંભ થતો હોય છે. ઘણી વખત ખાવાની કોઈ ચીજમાં પણ દૂષિત પાણીના ઉપયોગથી કોલેરા થઈ શકે છે. આથી ખાસ કરીને ચોમાસાની સિઝન દરમ્યાન ખાવાપીવામાં ધ્યાન આપવું હિતાવહ રહે. બને ત્યાં સુધી વાસી અથવા ઠંડો ખોરાક ન લેવો અને પીવાના પાણીની કવોલિટી અંગે જાગૃત રહેવું. કોર્પોરેશને પણ આ સિઝન દરમ્યાન વધુ જાગૃતિ દાખવવી પડે. ખાસ કરીને બરફની કવોલિટી ભરોસાપાત્ર હોતી નથી અને ચોમાસા દરમિયાન પાણીની પાઈપલાઈન લીકેજને કારણે પણ દૂષિત પાણી માણસને બિમાર પાડી શકે છે. કોલેરાનો ઉદભવ થઈ શકે છે.

જામનગર મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, શહેરના ખોજાનાકા ટીટોડીવાડી વિસ્તારમાં રહેતાં પચાસેક વર્ષના એક પુરૂષને કોલેરાની અસરો જણાતાં એમને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે અને તેઓ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ કેસના અનુસંધાને કોર્પોરેશનની વોટર વર્કસ શાખાને પણ સાબદી કરવામાં આવી છે. શહેરમાં કયાંય પણ લીકેજને કારણે પિવાના પાણીમાં અન્ય કોઈ દૂષિત પાણી ન ભળે તથા પિવાના પાણીનું કલોરિનેશન કોર્પોરેશન દ્વારા વધુ તકેદારી સાથે કરવામાં આવે, વગેરે ઉપાયો અમલમાં મૂકવામાં આવ્યા છે. ખોજાનાકા વિસ્તારમાં આ પ્રકારનો અન્ય કોઈ કેસ છે કે કેમ તે ચકાસવા સર્વે પણ કરવામાં આવ્યો છે અને લોકોને ખાણીપીણીમાં ખાસ કરીને ચોમાસા દરમ્યાન તકેદારી રાખવા અંગે જણાવાયું છે.
ઉનાળાની સિઝનમાં લોકોએ બરફગોલા સહિતની ચીજોનો ખાવાપીવામાં વધુ ઉપયોગ કર્યો હોય છે. આથી કોઈ પણ વ્યક્તિને કોલેરાના કોઈ પણ લક્ષણ જણાય તો તાકીદે તબીબી સલાહ લઈ લેવી જોઈએ. ખાસ કરીને પાચનતંત્રમાં કોઈ પણ પ્રકારના ચેપની શકયતાઓ હોય તો, સાબદું રહેવું. શક્ય હોય ત્યાં સુધી ઉકાળેલું પાણી ઠંડુ થઈ જાય બાદમાં પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવું હિતાવહ રહે. જામનગરમાં હાલ જો કે કોલેરાનો કોઈ ભય નથી પરંતુ ચોમાસા દરમિયાન ખાણીપીણીમાં તકેદારી રાખવી જરૂરી છે.
