Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
હવામાન વિભાગે બે દિવસ અગાઉ આગાહી કરેલી કે, હવે પછીના સાતે-સાત દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઓછાં વધુ પ્રમાણમાં અને કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. આમ રાજ્યના કેટલાક વિસ્તારોની સાથે-સાથે હાલારમાં પણ વરસાદ નોંધાયો છે.
દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં તો જાણે કે, આભ ફાટી ગયું. બધે જ જળબંબાકાર, માત્ર 6 જ કલાકમાં મૂશળધાર ફોર્સથી 9.5 ઈંચ પાણી વરસી ગયું. સર્વત્ર પાણીપાણી થઈ ગયું. આ ઉપરાંત ભાણવડ શહેર અને પંથકમાં પણ સવા બે ઈંચ સુધીનો વરસાદ નોંધાતા ખેડૂતો સહિતના સૌ ગ્રામજનોએ ગરમીમાં રાહત અને ચોમાસાના આગમનની ખુશી અનુભવી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત જામનગર જિલ્લામાં પણ અમુક પંથકમાં નોંધપાત્ર રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. આજે સવારે 6 વાગ્યે પૂરાં થતાં 24 કલાક દરમિયાન મોટી બાણુંગારમાં એક ઈંચથી વધુ અને અલિયાબાડાનાં દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત લાલપુર તાલુકાના હરિપર, પડાણા, પીપરટોડા અને ભણગોર ઉપરાંત જામનગર તાલુકાના વસઈ, દરેડ અને લાખાબાવળમાં પણ અમીછાંટણા થયા છે.