Mysamachar.in:ગુજરાત:
કેન્દ્ર સરકાર દ્વારા 3 નવા ક્રિમિનલ કાયદાઓ બનાવવામાં આવ્યા છે. આ કાયદાઓ એક જૂલાઈથી અમલી બની રહ્યા છે. હાલમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આ માટે તાલીમ પણ આપવામાં આવી રહી છે. ઘણી બધી કલમોના નંબરોમાં ફેરફાર થયો છે. કાયદાનું નામ પણ બદલી નાંખવામાં આવ્યું છે. હાલમાં IPC એટલે કે ભારતીય દંડ સંહિતા- ઈન્ડિયન પિનલ કોડના નામે જે કાયદો જાણીતો છે તે હવેથી BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતા તરીકે ઓળખાશે. જેનો અમલ એક જૂલાઈથી થશે.
ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવવા સાથે જ IPC માફક CrPC પણ બદલાઈ જશે. પોલીસ અને કોર્ટને હક્ક આપતાં કાયદાઓમાં રહેલી વર્ષો જૂની ક્ષતિઓ નવા કાયદામાં નિવારવામાં આવી છે. કોમ્યુનિકેશન ફાસ્ટ બનાવાયું છે, કેસોનો તાત્કાલિક નિકાલ લાવવો તથા સિનિયર સિટીઝન, બિમાર, મહિલાઓ અને બાળકોને લગતાં ગુનાઓ બાબતમાં માનવતાવાદી અભિગમ વગેરે બાબતોનો નવા કાયદાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સીઆરપીસી હવે ભારતીય સુરક્ષા સંહિતા તરીકે ઓળખાશે. જેમાં કેટલાંક એવા સુધારાઓ કરવામાં આવ્યા છે કે, તેથી નાગરિકો, પોલીસ અને ન્યાયતંત્રમાં સરળતા રહે. પોલીસ વોટ્સએપ, ટેકસ્ટ મેસેજ અથવા ઈ-મેઈલથી સમન્સ મોકલાવી શકશે. ઉપરાંત કલમ-105 પોલીસને જડતી સમયે ફરજિયાત વીડિયોગ્રાફી માટે ફરજ પાડે છે. કલમ-107 સતા આપે છે કે પોલીસને લાગે કે મિલકત ગુનો કરીને વસાવી છે તો જપ્ત કરી શકે અને કોર્ટ કાર્યવાહી કરી શકે છે. જેમાં ન્યાયાલય 14 દિવસમાં કારણદર્શક નોટિસ આપી આરોપી પાસેથી જવાબ માંગશે.
IPCમાં દેશ કે સરકાર વિરોધી કલમો આગળ રાખવામાં આવેલી જે BNS માં પાછળ રાખવામાં આવી છે. સરકાર સામેની લડાઈની કલમ 121 હતી તે હવે 147 થશે. મહિલા પર બળાત્કારની કલમ 376 છે જે હવે કલમ 64 થશે. અગાઉ ઈલેક્ટ્રોનિક પુરાવાઓ ગ્રાહ્ય ન હતાં, હવે એવિડન્સ એકટમાં સુધારો થતાં આવા પુરાવાઓ ગ્રાહ્ય રહેશે. ટ્રાયલ ઝડપથી ચલાવવા અગાઉ સ્પેશિયલ કેસમાં જ વીડિયો કોન્ફરન્સિંગ થતું. હવે કોઈ પણ કેસમાં કરી શકાશે. IPC માં મહિલા અને પુરુષ એમ બે જ જેન્ડરનો ઉલ્લેખ હતો, હવે BNS માં 3 જેન્ડરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
7 વર્ષ કે તેથી વધુ સજાની જોગવાઈવાળા ગુનામાં ફોરેન્સિક વિઝિટ ફરજિયાત કરવામાં આવી છે. જે રાજ્યોમાં આ વ્યવસ્થાઓ નથી ત્યાં આ વ્યવસ્થાઓ પાંચ વર્ષ દરમિયાન ગોઠવવામાં આવશે. કાચા કામના કેદીઓનાં કેસ કોર્ટમાં ટૂંકી મુદ્દતે ચલાવાતા હતાં, હવે રોજ ચલાવવાના રહેશે. સાક્ષીઓ તપાસવામાં આવશે. જરૂર જણાશે તો જ મુદ્દત આપવામાં આવશે.(symbolic image source:google)