Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકામાં શાખા ગમે તે હોય અને પદાધિકારીઓ પણ ગમે તે હોય, મહાનગરપાલિકાની એક ખાસિયત એ રહી છે કે, કરોડોની ખરીદીઓ ઝડપથી નિપટાવી લેવામાં આવે છે અને એ સાથેની જરૂરી કાર્યવાહીઓ અને કામગીરીઓ રગડધગડ રીતે કરવામાં આવે છે, જેમાં ઘણીવખત વિલંબ પણ થતો જોવા મળે છે. આ ખાસિયતને કારણે મહાનગરપાલિકાની કાર્યવાહીઓ હંમેશા ચર્ચાઓમાં રહે છે.
મહાનગરપાલિકામાં પદાધિકારીઓની નવી ટર્મ શરૂ થયા બાદ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ માટે કરોડો રૂપિયાના કિંમતી સાધનોની ખરીદીઓ ધડાધડ કરી લેવામાં આવી. એક અંદાજ મુજબ, આ રીતે જામનગર મહાનગરપાલિકાએ હમણાં હમણાં એક જ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે જ આશરે રૂ. 3-4 કરોડના સાધનો ખરીદી લીધાં. અને તેની જાહેરાતો પણ વાજતેગાજતે કરી લેવામાં આવી. હવે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, સ્ટેન્ડિંગ કમિટી અને કોર્પોરેશનને એ ખ્યાલ આવ્યો કે, આ બધાં સાધનો આપણે મંગાવીને અહીં કોર્પોરેશનમાં ખડકલો તો કરી લીધો પરંતુ આ બધાં સાધનો ઓપરેટ કરશે કોણ ?! આપણી પાસે પૂરતો સ્ટાફ પણ નથી. ટૂંકમાં, કહેવાનો અર્થ એ કે, જેતે શાખા અને સ્ટેન્ડિંગ કમિટીઓને ખરીદીઓ માટે નાણાં મંજૂર કરાવી લેવાની બહુ ઉતાવળ હોય છે. પછી એ નાણાંનું વળતર કામગીરીઓનાં રૂપમાં કોર્પોરેશનને અને નગરજનોને મળે છે કે કેમ અથવા વળતર મેળવવા અંગે બાદમાં નિરાંતે વ્યવસ્થાઓ અને ગોઠવણ કરવામાં આવે છે. ખરેખર તો આ બધી વ્યવસ્થાઓ ખરીદી કરતાં અગાઉ જ વિચારી લેવી જોઈએ.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે અંદાજે રૂ. 3-4 કરોડના ખર્ચે વસાવી લીધેલાં અને હાલ પડતર રહેલાં આ સાધનો ચલાવવા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી ન હોય, હવે આ કામગીરીઓ માટે એટલે કે ઓપરેશન અને મેન્ટેનન્સ માટે કોર્પોરેશન હાલ ટેન્ડર પ્રક્રિયાઓ કરી રહી હોવાનું અને અમુક સ્ટાફ બહારથી આઉટસોર્સિંગ મારફતે મેળવવાની દોડધામ શરૂ કરવામાં આવી હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ માટે SBM અને નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ આ બધી ખરીદીઓ કરવામાં આવી છે, જેમાં ફોલ્ડીંગ યુરિનલનો પણ સમાવેશ થાય છે. જો કે આ ખરીદીઓ પૈકી કેટલાંક કિંમતી સાધનોની ડિલેવરી હજુ સુધી કોર્પોરેશનને ન મળી હોવાનું પણ સૂત્ર જણાવે છે.