Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ગોંડલ ખાતે રહેતા અને ખેતપેદાશ ખરીદ-વેચાણ અંગેની દલાલી સાથે સંકળાયેલા એક શખ્સ દ્વારા ભાણવડ તાબેના કૃષ્ણગઢ ગામના ખેડૂતો પાસેથી ખેત પેદાશો લઈ અને તેઓને રકમ ચૂકવવામાં ડાંડાઈ કરતા તેની સામે રૂપિયા 7.58 લાખ ની છેતરપિંડી કરવા સબબ ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ નજીક આવેલા કૃષ્ણગઢ સામે રહેતા ખેડૂતો જગમાલભાઈ ભીખાભાઈ ગોજીયા, માલદેભાઈ રણમલભાઈ કરંગીયા, હરદાસભાઈ કેશુરભાઈ ભોચીયા, રમેશભાઈ પરબતભાઈ વૈરુ વિગેરે ખેડૂતો પાસેથી ગોંડલ ખાતે રહેતો ચિરાગ વ્રજલાલભાઈ લક્કડ નામનો શખ્સ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી તેઓની ખેત પેદાશો વાયદાથી ખરીદ કરતો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગત ફેબ્રુઆરી માસમાં તેણે અહીંના ખેડૂતો પાસેથી જુદી જુદી ખેતપેદાશો વાયદાથી લીધી હતી. પરંતુ આ ખેત પેદાશોની કુલ રૂપિયા 7,57,526 ની રકમ તેણે આજ સુધી ખેડૂતોને આપી ન હતી. આ પછી આરોપી શખ્સ પોતાનું ગામ છોડીને નાસી ગયો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે જગમાલભાઈ ગોજીયાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે ગોંડલના ચિરાગ વ્રજલાલભાઈ સામે આઈપીસી કલમ 406, 409 તથા 420 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ યુ.કે. મકવા દ્વારા હાથ ધરવામાં આવી છે.