Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં વર્ષોથી સરકારની ફાયર નીતિ અને તેના અમલ પર વડી અદાલત ખફા છે. અદાલત અવારનવાર સરકારને અતિ ગંભીર શબ્દોથી ખખડાવે છે, લોકબોલીમાં કહીએ તો ફૂલ ધોકાવે છે અને તેથી હવે સરકાર રાજ્યમાં ફાયર મુદ્દે જરા પણ નબળું ચલાવી લેવાના મૂડમાં નથી. સરકાર મોટાં ફેરફારો અને સાફસૂફી ઈચ્છે છે. કેમ કે સામાન્ય કક્ષાએ ફાયર પ્રિવેન્શન ક્ષેત્રમાં રાજ્યભરમાં કયાંય કામગીરીઓ સંતોષકારક રહી નથી. ગંભીર અગ્નિકાંડ પણ થતાં રહે છે. લોકોમાં ભારે ગુસ્સો છે. સરકાર તાપ અનુભવી રહી છે. ખુદ CM લાચાર બનીને જાહેરમાં એકરાર કરે છે, ક્યાંક કંઈક ભૂલ રહી ગઈ છે.
હવે ફાયર પ્રિવેન્શન ક્ષેત્રમાં મોટાં ફેરફારો આવશે. રાજ્યમાં ફાયર ડાયરેક્ટર લેવલે સરકાર અતિ કડક બનશે એવું સમજાઈ રહ્યું છે. દેશના 13 જેટલાં રાજ્યો એવા છે કે, જ્યાં ફાયર વિભાગમાં ડાયરેક્ટર પદે IAS અને IPS કક્ષાના ઉચ્ચ અધિકારીઓ સઘળી દેખરેખ રાખે છે, બીજી તરફ ગુજરાતમાં લાલિયાવાડીઓ ચાલી રહી હોય, સરકારને અદાલતના ગંભીર ઠપકા સાંભળવા પડે છે. હવે સરકાર ધૂણી છે. ફાયર વિભાગમાં મોટી નવાજૂની થશે.
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે, સરકાર ફાયર તંત્રમાં ધરમૂળથી અને મોટા ફેરફાર લાવવા આગળ વધી રહી છે. હાલમાં ફાયર NOC અને તેના રિન્યુઅલમાં ઘણી છટકબારી છે. લોચા ચાલે છે. બીજું પણ ઘણું ચાલે છે. બદનામી સરકારના ભાગે ઉધાર થઈ રહી છે. સરકાર મોટું ઓપરેશન કરશે. સરકાર એ દિશામાં આગળ વધવા ઈચ્છે છે કે, શહેરોમાં ફાયર સંબંધિત સઘળી જવાબદારીઓ ચીફ ફાયર ઓફિસરને સોંપવી. નિયમો આકરાં કરવા. છટકબારી બંધ કરવી. આ અધિકારીની જવાબદારીઓ ફીક્સ કરવી.
આ ઉપરાંત સૂત્ર જણાવે છે, હાલમાં ફાયર NOC રિન્યુઅલના તબક્કે આ પ્રક્રિયાઓ અને સતાઓ આ અધિકારી પાસે નથી પરંતુ ખાનગી વ્યક્તિ એટલે કે FSO પાસે છે. આ વ્યવસ્થાઓમાં ઘણું ન ચાલવાનું ચાલે છે. રાજ્યમાં 250 જેટલાં આવા ખાનગી ફાયર ઓફિસર કામ કરે છે. તેઓ ફાયર NOC રિન્યુઅલ વખતે મિલકતોની ખરેખર ચકાસણીઓ કરે છે કે કેમ ? તેને લઈને સવાલો ઉભા થયા છે. NOC રિન્યુઅલ પછી પણ જ્યારે જ્યારે આગ લાગવાના બનાવો બને છે ત્યારે ખામીઓ બહાર આવી રહી છે, ખાનગી FSO ની કામગીરીઓ અંગે શંકાઓ જોવા મળી રહી છે. આવા કિસ્સાઓમાં કોઈને કશું થતું નથી. રાજ્યના ફાયર વિભાગનું ડાયરેક્ટોરેટ જવાબદારીઓ ફેંકી નીકળી જાય છે. આ ખાનગી પાર્ટીઓની નિયુક્તિ એમણે જ કરી છે છતાંય.
આથી સરકાર હવે ઈચ્છે છે કે, રાજ્યના ફાયર ડાયરેક્ટોરેટને હવે ગંભીર બનાવવામાં આવે. અહીં IAS અથવા IPS અધિકારીને જવાબદારીઓ સોંપવામાં આવે. સરકાર નાકામી અને બદનામી સ્વીકારી લેવાના મૂડમાં નથી. આગામી સમયમાં FSO ની કામગીરીઓની પણ કડક સમીક્ષા થશે. આ ક્ષેત્રમાં સરકાર હવે લાલિયાવાડીઓ ચલાવી લેશે નહીં. અદાલતમાં સરકારની પ્રતિષ્ઠાને તથા રાજ્યમાં સરકારની આબરૂને બહુ ધક્કા લાગ્યા છે. બહુ બદનામી થઈ છે. સરકાર ઈચ્છે છે, હવે બસ. બહુ થયું.(symbolic image source:google)