Mysamachar.in:ગાંધીનગર:
ગુજરાત સહિત દેશભરમાં જ્યારથી વાહનવ્યવહાર ક્ષેત્રમાં સુધારાઓની વાતો ચાલી રહી છે, ખાસ કરીને જ્યારથી વાહનોની ફીટનેસની ખબરો ચમકી રહી છે ત્યારથી, ગુજરાતમાં વાહન ફીટનેસ સંબંધે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલે છે અને અવારનવાર વિવાદો થાય છે, તેનો એક અર્થ એવો પણ થઈ શકે કે, સરકારની અંદર બેસીને કોઈક, ચોક્કસ સ્તરેથી રહસ્યમય કારણોસર કુંડાળાઓ ચીતરી રહ્યું છે. બીજી તરફ સરકારમાંથી આવી બાબતો અંગે સત્તાવાર સ્પષ્ટતાઓ થતી નથી તેથી લોકોમાં જાતજાતની આશંકાઓ સાંભળવા મળી રહી છે.
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, સરકારના વાહનવ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના અંદાજે 5,000 જેટલાં ટ્રાન્સપોર્ટ અને કોમર્શિયલ વાહનોના ફીટનેસ સર્ટિફિકેટ એકસાથે રદ્દ કરી નાંખવામાં આવ્યા છે, જો કે ઘણાં બધાં વાહનમાલિકો અને ટ્રાન્સપોર્ટ ધંધાર્થીઓને આની જાણ પણ નથી તેમ પણ સૂત્ર જણાવે છે, આ માટે સરકાર તરફથી બિનસતાવાર રીતે એવું જાહેર થયું છે કે, આ વાહનોને જ્યારે આ ફીટનેસ સર્ટિફિકેટ જેતે ખાનગી ફીટનેસ સેન્ટર દ્વારા આપવામાં આવ્યા ત્યારે, તે ફીટનેસ સેન્ટર સરકારની યાદીમાં ઓથોરાઈઝડ સેન્ટર તરીકે ન હતાં. અહીં પ્રશ્ન એ થઈ શકે કે, ઓથોરાઈઝડ સેન્ટર ન હોય એવા સેન્ટર દ્વારા જેતે સમયે આ વાહનોને ફીટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા ત્યારે સરકારના પોર્ટલ પરથી તેની પહોંચ નીકળી કેવી રીતે ?!
આવા સંખ્યાબંધ વાહનોના ફીટનેસ સર્ટિફિકેટ રદ્દ થયા તે પૈકી કોઈ વાહન દ્વારા ધારો કે અકસ્માત થાય તો આ સંજોગોમાં અકસ્માત કલેઈમ બાબતે શું થશે ?! મામલો બરાબર ગૂંચવાયો છે. વાહનોના ખાનગી ફીટનેસ સેન્ટરો અને વાહનવ્યવહાર વિભાગ વચ્ચે કશુંક રંધાઈ રહ્યું નથી ને ? એવી શંકાઓ પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે. અચરજની વાત એ પણ છે કે, સરકારે જે વાહનોના ફીટનેસ સર્ટિફિકેટ રદ્દ કર્યા છે તે પૈકી એક પણ ટ્રાન્સપોર્ટ કંપનીને વાહનવ્યવહાર વિભાગે આ સંબંધે નોટિસ પણ આપી ન હોય, ઘણાં વાહન માલિકોને આ અંગે જાણ પણ થઈ નથી. આ જાણકારીઓના અભાવે જે પ્રશ્નો ઉભાં થશે, તેનો નિવેડો કેવી રીતે આવશે ?! એ પણ એક સવાલ છે. આ સમગ્ર બાબત ખાનગી ફીટનેસ સેન્ટર અને સરકાર હસ્તક હોવાથી RTO વિભાગે આમાં કશું કરવાનું રહેતું નથી, એમ પણ સૂત્ર જણાવે છે.(symbolic image source google)