Mysamachar.in-જામનગર:
જામનગરમાં EPFO (કર્મચારી પ્રોવિડન્ટ ફંડ કચેરી) ઉપરાંત કસ્ટમ્સ અને DRI સહિતના કેટલાંક વિભાગો એવા છે જેમાં રાતદિવસ વિવિધ પ્રકારની ગોઠવણો થતી હોવાની ચર્ચાઓ છતાં CBI અને ED જેવી કેન્દ્રીય એજન્સીઓ હાલારમાં કયારેય ત્રાટકતી નથી. થોડાં થોડાં વર્ષના અંતરે માત્ર નામ પૂરતી કાર્યવાહીઓ થતી રહેતી હોય છે અને બાકીના સમયમાં બધું યથાવત્ ચાલતું રહે છે- જનમાનસમાં આ છાપ ઘાટી છે.
જામનગર અને દ્વારકા જિલ્લાઓ વિવિધ ઉદ્યોગોને કારણે લાખોની સંખ્યામાં કામદારો ધરાવે છે. આથી શ્રમ અને રોજગાર વિભાગ તથા કર્મચારી પ્રોવિડન્ટ ફંડ વિભાગના અધિકારીઓ આ પંથકમાં સતત વ્યસ્ત રહેતાં હોય છે, જો કે આ કચેરીઓ કયારેય પોતાની રેકર્ડ પરની કામગીરીઓ અને કાર્યવાહીઓ લોકોની જાણ ખાતર પણ જાહેર કરતી ન હોય, આવી કચેરીઓમાં ચાર દીવાલો વચ્ચે ઘણું રંધાતું હોવાની લોકોને સતત શંકાઓ રહેતી હોય છે.
CBI ગુજરાતે અખબારી યાદી મારફતે જાહેર કર્યું છે કે, તેમણે જામનગર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં એક ઓપરેશન કર્યું છે. મામલો 1.10 લાખની લાંચનો છે. EPFO અધિકારી સહિત 3 વિરુદ્ધ કાર્યવાહીઓ ચાલી રહી છે. જો કે CBI દ્વારા આરોપીઓના નામો જાહેર કરવામાં આવ્યા નથી.
એવું જાણવા મળે છે કે, CBI ના અધિકારીઓએ જામનગર EPFO ના એન્ફોર્સમેન્ટ અધિકારી, એક ટેક્સ કન્સલ્ટન્ટ અને એક વચેટિયાની આ લાંચ બાબતે પૂછપરછ કરી છે. જો કે CBI અધિકારીઓએ નામો જાહેર કર્યા નથી. પરંતુ ઘણાં બધાં લોકો જાણતાં હોય જ છે કે, EPFO કચેરીમાં શું ચાલતું રહે છે. જામનગરની EPFO કચેરી વર્ષોથી રહસ્યમય રીતે અને મૌન રહીને કામ કરવા ( અને કામો પાર પાડવા) ટેવાયેલી હોવાનું સૌ જાણે છે. જામનગર પંથકમાં કસ્ટમ્સ અને DRI જેવી કેન્દ્રીય એજન્સીઓ પણ વર્ષોથી લોકોની નજરે તો શંકાસ્પદ અને ચર્ચાસ્પદ જ છે.
CBI ના હાલના ઓપરેશનમાં કહેવાય છે કે, મીઠાપુરની એક કંપનીમાં અકુશળ કામદારો સપ્લાય કરતી એક પેઢીનું કોઈ કામ કેટલાંક સમયથી જામનગરની EPFO કચેરીમાં પેન્ડિંગ હતું. અને આ પ્રકરણમાં રૂ. 1.10 લાખની લાંચની લેતીદેતીના મામલે હાલારના એક ફરિયાદીએ CBI માં ફરિયાદ કરી હતી. જો કે સમગ્ર મામલો હાલ રહસ્યમય કારણોસર ગુપ્ત રીતે આગળ વધારવામાં આવી રહ્યો હોવાનું અને માત્ર પરચૂરણ વિગતો જ જાહેર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ટૂંકમાં, જામનગર EPFO કચેરી દૂધે ધોયેલી નથી એવું છેક દિલ્હી સુધી રેકર્ડ પર આવ્યું છે. સાથે એમ પણ માનવામાં આવે છે કે, આ પ્રકરણનું ખૂબીથી ફીંડલું વાળી દેવામાં આવશે. ભૂતકાળમાં કસ્ટમ્સ તથા DRI જેવા વિભાગોમાં પણ આમ બનેલું. દરમિયાન, એવું પણ જાણવા મળે છે કે, CGST કચેરી પણ આવી બાબતોમાં બાહોશ રીતે વર્તી રહી છે.(image source:google)