Mysamachar.in-જામનગર:
હોસ્પીટલમાં હત્યા થાય તે ઘટના જ વિચારતા કરી દે તેવી છે, કારણ કે જ્યાં વ્યક્તિ સારવાર લેવા જાય છે ત્યાં જ મોત મળે તે કેવું કેહવાય… આ ઘટના બાદ પોલીસની કાર્યવાહી સામે તો અનેક સવાલો ઉઠયા પણ તેટલા જ સવાલો હોસ્પિટલ પ્રસાશન સામે પણ છે, કારણ કે આ હત્યા હોસ્પીટલમાં એવા સ્થળે થઇ છે જ્યાં કેટલાય દર્દીઓ ઈમરજન્સી સારવાર લેવા માટે આવે છે, અહી મોટી સંખ્યામાં તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ હાજર હોય છે, અને અહી 24 કલાક સારવાર થતી હોય છે, હવે પોલીસ બાદ સીધું જ નિશાન કોઈ હોય તો તે છે હોસ્પીટલની સિક્યુરીટી…કારણ કે આ હત્યામાં હત્યારાઓ જે તે શસ્ત્રો સાથે અંદર સુધી ઘુસી ગયા અને સારવારમાં રહેલ યુવકને મોતને ઘાટ ઉતારી દીધો ત્યાં સુધી સિક્યુરીટી કરતી શું હતી…?

જામનગરની જીજી હોસ્પિટલના સત્તાવાળાઓ સિકયોરિટી વ્યવસ્થાઓ પાછળ દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. આ તોતિંગ ખર્ચ કરદાતા નાગરિકોની તિજોરીમાંથી થઈ રહ્યો છે. આ ખર્ચ નાણાંનો વેડફાટ સાબિત થઈ રહ્યો છે, કેમ કે જીજી હોસ્પિટલની મુખ્ય અને જૂની ઈમારતમાં સિકયોરિટી વ્યવસ્થાઓ માત્ર નામની છે. અચરજની વાત એ છે કે, આવી ભંગાર સિકયોરિટી વ્યવસ્થાઓ છતાં કોન્ટ્રાક્ટર એજન્સી સલામત છે, હોસ્પિટલ સત્તાવાળાઓ કે કલેક્ટર કચેરી (રોગી કલ્યાણ સમિતિ) આ બાબતે કડક પગલાંઓ ભરતાં નથી.

ગત્ બુધવારે મધરાત બાદ એક ઈજાગ્રસ્ત યુવાન જીજી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો. થોડીવાર પછી ચાર શખ્સો આ ઈજાગ્રસ્ત યુવાનને શોધતાં શોધતાં, તીક્ષ્ણ હથિયાર સાથે હોસ્પિટલમાં ઘૂસી ગયા. આ શખ્સોએ હોસ્પિટલમાં પેલા ઈજાગ્રસ્ત યુવાનને શોધી કાઢ્યો અને હોસ્પિટલમાં જ સરાજાહેર તીક્ષ્ણ હથિયાર વડે યુવાનને વેતરી પણ નાંખ્યો. આ સમયે સિકયોરિટી ના બહાદુરો ક્યાં હતાં, તેઓ શું કરતાં હતાં, આ બધી જ વિગતો CCTV ફૂટેજ મારફતે લોકો સમક્ષ મૂકાવી જોઈએ. અને જે લોકેશન પર આ યુવાનની હત્યા થઈ ત્યાં નજીકમાં જ હોસ્પિટલની પોલીસચોકી પણ છે. ટૂંકમાં, હોસ્પિટલમાં સલામતીના નામે મોટું મીંડુ. છતાં સૌ જવાબદારો મૌન આ તો કેમ ચાલે..? આવી ભંગાર સિકયોરિટી એજન્સીને ખરેખર તો બ્લેકલિસ્ટ કરવી જોઈએ તેમ પણ હોસ્પિટલને નજીકને જોનારાઓ જણાવે છે.

અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ જ સિકયોરિટી કર્મચારીઓ સામાન્ય બાબતોમાં “નબળો ધણી બૈરી પર શૂરો” હોય તેમ અન્ય સ્ટાફ સાથે ઝઘડાઓ કરતાં હોય છે અને દર્દીઓના પરિવારજનોને પરેશાન કરતાં હોય છે, દબડાવતા હોય છે. આ સિકયોરિટી કર્મચારીઓ બુધવારે રાતે હોસ્પિટલમાં સરાજાહેર મર્ડર થઈ ગયું ત્યારે કયાં મરચાં ખાંડતા હતાં.? અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, રાત્રિના સમયે જીજી હોસ્પિટલ પરિસરમાં ઘણાં પ્રકારના કુંડાળાઓ ચાલતાં હોવાની ચર્ચાઓ શહેરીજનો માટે નવી વાત નથી, ભૂતકાળમાં વિવાદો પણ થયા છે.ત્યારે ઉચ્ચ અધિકારીઓ અને હોસ્પિટલ સતાવાળાઓએ હોસ્પીટલમાં રાત્રીના આકસ્મિક તપાસ પણ કરવી જોઈએ જેમાં ક્યારેક ચોકાવનારા તથ્યો સામે આવી શકે છે.
