Mysamachar.in-ગાંધીનગર:
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ સર્જાયો અને સરકાર શરમભરી સ્થિતિમાં મૂકાઈ ગઈ કેમ કે, સૌરાષ્ટ્રના સૌથી મોટાં શહેર રાજકોટમાં કેટલી અને કેવી લાલિયાવાડીઓ ચાલી રહી છે તેની બધી જ વિગતો લોકો સમક્ષ ઉઘાડી પડી ગઈ છે. આ શરમથી નીચાજોણું અનુભવી રહેલી સરકાર હાલ જામનગર સહિતના શહેરોમાં અધિકારીઓને દેખાડો કરવા દોડાવી રહી છે. બીજી તરફ રાજ્યના ગૃહવિભાગ દ્વારા મનોરંજનના આવા વિવિધ સ્થળો માટે કેટલાંક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમો વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે.
સરકારે વેબસાઈટ પર મૂકેલાં નિયમો ગેમઝોન, આનંદમેળા પ્રકારના નાના પાર્ક, ફન પાર્ક અને એમ્યુઝમેન્ટ પાર્કને લાગુ પડે છે. આ પ્રકારના મનોરંજનના ધંધાર્થીઓએ આ નિયમોનું પાલન કરવાનું રહેશે. અધિકારીઓ આ નિયમોનું કડક રીતે પાલન કરાવશે ? પાર્કના સંચાલકો આ નિયમોનું પાલન કરશે ? વગેરે પ્રશ્નોના ઉત્તર આગામી સમયમાં જાણવા મળશે.
સરકારના નવા અને સૂચિત નિયમો કહે છે: ગેમિંગ, એમ્યુઝમેન્ટ પાર્ક તથા આ પ્રકારના આનંદમેળાના સંચાલન માટે પાર્કના માલિકો અથવા ભાગીદારોએ કવોલિફાઈડ વ્યક્તિને સંચાલક તરીકે રાખવાની રહેશે. જો કે આ વ્યક્તિ શું કવોલિફિકેશન ધરાવતી હશે, એ પ્રશ્નનો ઉત્તર આ નિયમોમાં નથી. જો કે હજુ આ નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. તેમાં જરૂરી સુધારાઓ કરવામાં આવશે.
આ નિયમોમાં એક બાબત એ સ્પષ્ટ સૂચવવામાં આવી છે કે, ગેમઝોન- આનંદમેળા કે ફન પાર્ક કયાંય પણ બાંધકામ કે ફલોરિંગ ગમે તે પ્રકારનું ચલાવી લેવામાં આવશે નહીં. આ બધી બાબતોમાં આગ સામે પ્રતિરોધક હોય એવું મટીરીયલ્સ જ ઉપયોગમાં લેવાનું રહેશે. દરમિયાન, પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું કે, રાજકોટ અંગેનો રિપોર્ટ 20 જૂન સુધીમાં આવી જશે, તેમાં જે કોઈ પણ દોષિત ઠરશે, પછી ભલે તે IAS હોય કે IPS હોય, તેની સામે પગલાં ભરવામાં આવશે.
સરકારે પાર્ક અંગેના નિયમોમાં જાહેર કર્યું છે કે, આવા સ્થળે જેટલાં લોકોની મંજૂરીઓ આપવામાં આવી હોય, તેનાથી વધુ સંખ્યામાં લોકોને પ્રવેશ આપી શકાશે નહીં. આ ઉપરાંત બિલ્ડીંગ યૂઝ પરમિશન, ફાયર NOC, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, આરોગ્ય, સેનિટેશન તથા ઈલેક્ટ્રીક ઈન્સ્ટોલેશનના પ્રમાણપત્રો મળે પછી જ પાર્ક શરૂ થઈ શકશે. આ પછી સિટી રાઈડ કમિટી અને ઈન્સ્પેક્શન કમિટીની મંજૂરી લેવાની રહેશે અને ત્યારબાદ પોલીસ કમિશનર અને કલેક્ટરની મંજૂરીઓ મેળવવાની રહેશે.
ગેમઝોનમાં ફાયર પ્રિવેન્શન સિસ્ટમ અને સ્પ્રિંકલર કાર્યરત અવસ્થામાં રાખવા પડશે. સેન્ટ્રલ ફાયર એલાર્મ સિસ્ટમ કાર્યરત રાખવાની રહેશે. આ પાર્કમાં દરેક સ્થળે લોકોની જાણકારીઓ માટે સંકટ સમયે સૂચનાઓ જાહેર કરી શકાય તે માટેની કોમ્યુનિકેશન સિસ્ટમ કાર્યરત રાખવાની થશે, પાર્કિંગથી માંડીને ગેમઝોનના દરેક ભાગમાં CCTV કેમેરા ફરજિયાત અને તેનું રેકોર્ડિંગ 30 દિવસ માટે ફરજિયાત રીતે સાચવવાનું રહેશે. આવા સ્થળોએ પેટ્રોલિયમ નિયમો મુજબ, ઈંધણ રાખી શકાશે પણ તે જથ્થો આ પાર્કથી 30 ફૂટ દૂર રાખવાનો રહેશે.
આ પ્રકારના પાર્કમાં અલગ પ્રવેશ દ્વાર, બહાર નીકળવાના એક્ઝિટ દરવાજા દરેક દિશામાં, દરેક ફલોર પર અને ઓછામાં ઓછા 200 માણસો નીકળી શકે તે પ્રકારે લગાવવાના રહેશે. આ ઉપરાંત દરેક ફ્લોર પર ઓછામાં ઓછાં બે ઈમરજન્સી દરવાજા રાખવાના. દરેક ફલોર પર આગ પ્રતિરોધક મટીરીયલ્સથી લખેલી 2 મીટર પહોળી એન્ટ્રી અને એક્ઝિટ રાખવાની, કોઈ પણ સંજોગોમાં ઝોનની અંદર રેસ્ટોરન્ટ કે કુકીંગ કરી શકાશે નહીં. આ વ્યવસ્થાઓ ઝોનના પ્રવેશદ્વારથી 30 ફૂટ દૂર રાખવાની રહેશે.
આ ઉપરાંત આ પ્રકારના સ્થળોએ નેશનલ બિલ્ડીંગ કોડ મુજબ, નિયમ અનુસારની ઈલેક્ટ્રીક વ્યવસ્થાઓ હોવી જોઈએ. ઝોનના પ્રવેશ દ્વાર પર 5 ફૂટનું બોર્ડ જેમાં ફાયર લાયસન્સ સહિતના લાયસન્સ કેટલી મુદ્દત સુધીના છે તે સહિતની જરૂરી વિગતો દર્શાવવાની રહેશે. ઝોનના માલિકે 3 કે 6 મહિનાની મુદ્દત માટે પરમિશન લેવા માટેની રૂ. 5,000 થી માંડીને રૂ. 10,000 સુધીની ફી ભરવાની રહેશે. દરેક સાધનોનું મેન્ટેનન્સ ક્યારે કરવાનું અને ક્યારે કર્યું તેનો પાંચ વર્ષનો રેકોર્ડ સલામત રાખવાનો રહેશે.
આગ પ્રતિરોધક મટીરીયલ્સની વાત કરવામાં આવી છે પણ આ મટીરીયલ્સ કેટલાં વર્ષ માટે આગ પ્રતિરોધક રહી શકે અથવા કેટલી તીવ્રતાની આગ સહી શકે તે અંગેની સ્પષ્ટતાઓ આ નિયમમાં નથી. આ સ્પષ્ટતાઓ ન હોય તો કોઈ પણ વ્યક્તિ 15 મિનિટ સુધી જ આગ પ્રતિરોધક રહી શકે તેવું મટીરીયલ્સ વાપરીને પણ સ્ટ્રક્ચર ઉભું કરી લેશે. આ સ્ટ્રક્ચર સલામત કેટલું ? તે પણ પ્રશ્ન છે. આ પ્રકારની દરેક સ્પષ્ટતાઓ દરેક બાબતમાં સરકારે કરવી જોઈએ.