Mysamachar.in-જામનગર:
અન્ય સંસ્થાઓ (દાખલા તરીકે ગુજરાત સરકાર અને ભારત સરકાર)ની માફક જામનગર મહાનગરપાલિકા પણ દર વર્ષે વાર્ષિક બજેટ જાહેર કરતી વખતે સ્પીચમાં ઘણી મીઠડી અને આકર્ષક વાતો કરતી હોય છે. સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે, બજેટના લોભામણાં વચનો શાસકોને બહુ યાદ હોતાં નથી. બીત ગઈ, સો બાત ગઈ….
જામનગરમાં આ વર્ષના બજેટ વખતે પણ આવું બનેલું. મહાનગરપાલિકાએ વર્ષ 2024-25 ના બજેટની જાહેરાત થોડાં મહિનાઓ અગાઉ કરી ત્યારે, એમ જાહેર થયેલું કે- જે કરદાતા નગરજનો મહાનગરપાલિકાની વેરા રિબેટ યોજનાનો લાભ લેશે તે કરદાતાઓને મહાનગરપાલિકા દ્વારા સૂકા અને ભીના કચરાના એકત્રીકરણ માટે ડસ્ટબિન આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, હજારો નગરજનોએ આ વેરારિબેટ યોજનાનો લાભ લીધો. કોર્પોરેશનને કરોડો રૂપિયાની આવક થઇ. પરંતુ કોર્પોરેશને લોભામણું વચન આપ્યા બાદ, આ કરદાતા નગરજનોને ડસ્ટબિન આપ્યા નથી. મહાનગરપાલિકા વચન વિસરી ગઈ.

આ મુદ્દે Mysamachar.in દ્વારા ટેક્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર જીગ્નેશ નિર્મળનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું છે કે, અમોએ કોર્પોરેશનના આ ઠરાવની અમલવારી માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને જાણ કરી હતી. પરંતુ આ વિભાગે રિબેટ યોજનાના સમય દરમિયાન આવી કોઈ ખરીદી કરી નથી. અને, એ વિભાગ દ્વારા લાભાર્થીઓને આપવાના થતાં ડસ્ટબિન ટેક્સ વિભાગને સોંપવામાં આવ્યા નથી. ઈન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનરે વધુમાં જણાવ્યું છે કે, આ પ્રકારની ખરીદી સ્ટોર વિભાગ અથવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કરવાની હોય છે. આ પ્રકારની ખરીદીના પાવર ટેક્સ વિભાગ પાસે નથી.

અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા અવારનવાર પોતાની શાખા માટે કરોડો રૂપિયાના સાધનો સહિતની ચીજોની ખરીદીઓ માટે દરખાસ્તો તૈયાર કરતી હોય છે. ત્યારે પ્રશ્ન એ છે કે, ડસ્ટબિનવાળી આ બાબત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ભૂલી કેમ ગઈ ? અને, મહાનગરપાલિકાની આ જાહેરાત અનુસંધાને સ્ટોર શાખાએ પણ આ ખરીદી નહીં કરી હોય ? કે પછી, આવા હજારો ડસ્ટબિનની જેતે સમયે ખરીદીઓ થઈ ગઈ છે અને આ હજારો ડસ્ટબિન કયાંક નકામા પડી રહ્યા છે, આ આખા મામલાની તપાસ કોણે કરવી જોઈએ ?

-જે તે સમયે કહેવાયું હતું કે…
જામનગર મહાનગરપાલિકાની 19-02-2024ની જનરલ બોર્ડની સામાન્ય સભામાં રેકર્ડ પર એમ કહેવાયું હતું કે, એડવાન્સ ટેક્સ અન્વયે રીબેટનો લાભ લેતાં આસામીઓને વિનામૂલ્યે ડસ્ટબિન આપવા અંગે ધોરણસરની પ્રક્રિયા કરી કાર્યવાહી હાથ ધરવા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવે છે….
