Mysamachar.in-અમદાવાદ:
એક તરફ એમ કહેવાય છે કે, ગુજરાત સમૃધ્ધ રાજ્ય છે. બીજી તરફ એવા આંકડાઓ આવી રહ્યા છે કે, ગુજરાત ઔદ્યોગિક ઉત્પાદનમાં હંમેશા અગ્રેસર રહે છે. સાથે સાથે, આ ત્રીજી હકીકત પણ જાણી લ્યો. આ હકીકત ચિંતાપ્રેરક છે. ગુજરાત વધુને વધુ ‘બિમાર’ બની રહ્યું છે. ચોક્કસ પ્રકારની દવાઓનું વેચાણ વધી રહ્યું છે. આ આંકડાઓ ગંભીર લેખાવી શકાય.
ગુજરાતની ફાર્મા કંપનીઓ રાજ્યમાં દવાઓનું ચિક્કાર વેચાણ કરી રહી છે. જૂન-2022માં રાજ્યમાં દવાઓનું વેચાણ રૂ. 550 કરોડનું રહેલું. મે-2024માં ગુજરાતના લોકોએ રૂ. 652 કરોડની દવાઓ ખાધી. આ વધારો 19 ટકા જેટલો છે. શ્વસનતંત્રના રોગો સાથે સંકળાયેલી દવાઓના વેચાણમાં 34 ટકાનો ચિંતાજનક ઉછાળો. ન્યૂરોના રોગોની દવાઓનું વેચાણ 25 ટકા વધી ગયું. દર્દશામક એટલે કે પેઈનકીલર દવાઓનું વેચાણ 23 ટકા વધી ગયું. ડર્મા રોગોની દવાઓનું વેચાણ 23 ટકા અને હ્રદયરોગ સંબંધિત દવાઓના ઉપયોગમાં 22 ટકાનો ઉછાળો આવ્યો છે.
આપણે વધુ બિમાર બની રહ્યા છીએ. આપણી ફૂડ કવોલિટીઝ સારી નથી ?! આપણું વાતાવરણ દૂષિત છે ? આપણે જે પાણી પી રહ્યા છીએ, તે પણ અયોગ્ય છે ? આ બધી બાબતોનું સંશોધન થવું જોઈએ. નિષ્ણાંતો એમ કહે છે કે, લોકોમાં બિમારી અંગે જાગૃતિ વધી છે તેથી દવાઓનું વેચાણ વધે છે. જો કે તેનાથી આપણે બિમાર છીએ, એ હકીકતનો ઈનકાર ન કરી શકાય. નિષ્ણાંતો એમ પણ કહે છે: પ્રદૂષણ પણ વધી રહ્યું છે. ખાસ કરીને વધુ વયના લોકોમાં શ્વસનતંત્ર સંબંધિત રોગો વધી રહ્યા છે. સાથેસાથે તમાકુ અને ધૂમ્રપાન જેવી બાબતો પણ દવાઓના વધતાં વેચાણ પાછળનું એક કારણ હોય શકે છે.