Mysamachar.in-જામનગર:
આવતીકાલે 13મી જૂને શાળાઓમાં વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. બધી શાળાઓ ધમધમવા લાગશે. જામનગરમાં ઘણી શાળાઓ વાલીઓ સાથેસાથે જુદાં જુદાં પ્રકારની દાદાગીરી આચરવા ટેવાયેલી છે. અચરજની વાત એ છે કે, જામનગરમાં શાળાઓની દાદાગીરી વાલીઓ મૂંગા મોંએ સહન કરતાં રહે છે. અને, જામનગરનું શિક્ષણ તંત્ર પણ જ્યાં સુધી શાળાઓ વિરૂદ્ધ કોઈ ફરિયાદ ન થાય ત્યાં સુધી પોતાની મેળે સુઓમોટો કોઈ જ કાર્યવાહીઓ ન કરવા બાબતે જાણીતું છે.

શાળાઓ પૈકી ઘણી શાળાઓ એવી પણ હોય છે જે વાલીઓ પાસેથી આખા વર્ષની અથવા સત્રની ફી એકસાથે જમા કરાવવા દબાણ લાવતી હોય છે. ખરેખર તો શાળાઓએ વાલીઓની આર્થિક સ્થિતિ ધ્યાન પર લઈ 3-3 મહિનાની ફી વસૂલવી જોઈએ. આ ઉપરાંત શાળાઓ દ્વારા ફી માં કોઈ વધારો જાહેર કરવામાં આવ્યો હોય કે ન આવ્યો હોય, ફી ની સંપૂર્ણ વિગતો નોટિસ બોર્ડ પર દર્શાવવી જોઈએ.

આ ઉપરાંત ઘણી શાળાઓ યુનિફોર્મ અને ચોક્કસ પ્રકારની સ્ટેશનરી, પુસ્તકો માટે વાલીઓ ચોક્કસ દુકાનો પરથી ખરીદે તેવો પણ આગ્રહ રાખતી હોય છે. નિયમ અનુસાર, આવો કોઈ આગ્રહ શાળાઓ રાખી ન શકે. આમ છતાં જામનગરમાં આવી લાકડાંની તલવારો વીંઝાતી રહે છે. અને જોવાની ખૂબી એ છે કે, જામનગરમાં આવી ફરિયાદો પણ થતી નથી.

આ પ્રકારની કોઈ પણ દાદાગીરી જો શાળાઓ દ્વારા થતી હોય તો, વાલીઓ માટે સરકાર દ્વારા ફરિયાદની વ્યવસ્થાઓ છે જ. કોઈ પણ વાલી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને આવી કોઈ પણ બાબતે મૌખિક અથવા લેખિત ફરિયાદ કરી શકે છે. જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો લેન્ડ લાઇન ફોન નંબર 0288-2553321 છે અને જિલ્લા શિક્ષણ અધિકારી ભરત વિડજાનો મોબાઇલ નંબર 99099 70206 નોંધી રાખો, અને શાળાઓની દાદાગીરીને પડકારવાની જાગૃતિ દાખવી અને વાલીઓએ આગળ આવવું જોઈએ.
