Mysamachar.in-ગાંધીનગર:
ધોરણ એક માં બાળકને 6 વર્ષની ઉંમર પછી જ પ્રવેશ આપવો એવો નિયમ આવ્યો એ સાથે જ રાજ્યમાં બાલવાટિકા અને પ્રિ-સ્કૂલની વાતો લાંબો સમય ચાલી. પરંતુ અત્યાર સુધી પ્રિ-સ્કૂલ રજિસ્ટ્રેશન બાબતે સરકાર આગળ વધી શકી નથી. આ માટેના મસમોટાં બણગાં લાંબા સમયથી હવામાં વહી રહ્યા છે. વ્યવહારિક સ્તર પર આ આયોજન શક્ય બન્યું નથી.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં પ્રિ-સ્કૂલ આડેધડ ચાલે છે. રજિસ્ટ્રેશન ન હોય, સરકારનું કોઈ નિયંત્રણ નથી. પાર્કિંગનો અભાવ, પાકાં બાંધકામનો અભાવ અને ફાયર પ્રિવેન્શન સિસ્ટમનો અભાવ, એવી વિવિધ બાબતોને કારણે આવી પ્રિ-સ્કૂલ લાંબા સમયથી બાળકો માટે જોખમી હોવા છતાં સરકારની નિષ્ક્રિયતાને કારણે ધમધમી રહી છે.
શાળા સંચાલક મંડળ કહે છે: પ્રિ-સ્કૂલ રજિસ્ટ્રેશન પ્રક્રિયાઓ ચાર મહિનાથી ચાલુ છે પણ હજુ સુધી કુલ સ્કૂલ પૈકી એક ટકો પ્રિ-સ્કૂલે પણ રજિસ્ટ્રેશન લીધું નથી. સમગ્ર પ્રક્રિયાઓ ઠપ્પ જેવી સ્થિતિમાં છે. પ્રિ-સ્કૂલના રજિસ્ટ્રેશન માટે સરકાર દ્વારા 15 વર્ષનો ભાડાકરાર માંગવામાં આવે છે. આવો ભાડાકરાર કરી આપવા કોઈ જ મિલ્કતધારકો તૈયાર નથી, એવી ફરિયાદ ઉઠી છે.
આ પ્રકારની અંધાધૂંધીભરી સ્થિતિમાં વાલીઓ લેખિતમાં એવો બળાપો વ્યક્ત કરી રહ્યા છે કે, પોતાનાં ભૂલકાંઓને જીવના જોખમ સાથે ભણાવતી આવી પ્રિ-સ્કૂલના રજિસ્ટ્રેશન ન થાય, એવું સરકાર ખુદ ઈચ્છી રહી છે એટલે આવા તઘલખી પરિપત્રો (15 વર્ષનો ભાડાકરાર) કરી રહી છે. સરકારે પ્રિ-સ્કૂલોને રજિસ્ટ્રેશન માટે ફેબ્રુઆરી-2025 સુધીનો સમય આપ્યો છે.
પ્રિ-સ્કૂલ માટેના રજિસ્ટ્રેશનમાં 15 વર્ષના ભાડાકરાર ઉપરાંત સંસ્થાનું મકાન વપરાશ યોગ્ય છે એવું બિલ્ડીંગ યૂઝ પરમિશન પ્રમાણપત્ર તથા ફાયર NOC પણ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. ઘણી પ્રિ-સ્કૂલમાં ભૂલકાંઓને ઘેટાંબકરાં માફક ભરી દેવામાં આવે છે. સોસાયટીઓમાં ખૂબ સાંકડી જગ્યાઓમાં આવી પ્રિ-સ્કૂલ ચાલતી હોય છે. દુર્ઘટના બનશે ત્યારે જવાબદારીઓ કોણ લેશે ? સરકારના પરિપત્રનો અમલ કરવો મોટાભાગની પ્રિ-સ્કૂલ માટે શક્ય નથી. સરકારે અગાઉ જ્યારે પ્રિ-સ્કૂલ માટે મૂળ આયોજન કર્યું ત્યારે 15 વર્ષના ભાડાકરારની વાત જ ન હતી, આ તઘલખી નિર્ણય પાછળથી ઘુસાડી દેવામાં આવ્યો છે. ટૂંકમાં, આ આખો મામલો હાલ ખૂબ જ ગૂંચવાયેલો છે. અને સરકારને મામલો સૂલટાવવા કોઈ ઉતાવળ હોય એવું દેખાતું નથી.(symbolic image source:google)