Mysamachar.in-જામનગર:
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ઘણી બધી મિલ્કતો, ખાસ કરીને ધંધાકીય એકમો જુદાં જુદાં કારણોસર ધડાધડ સીલ થઈ રહ્યા છે, અને આ સીલ ફરીથી ખોલાવવા ધંધાર્થીઓએ એક મોટા વેપારનો ભોગ બનવું પડી રહ્યું છે, કારણ કે રાજકોટની આ આફત ઘણાં બધાં લોકો માટે તોતિંગ કમાણીનો એક અવસર બની ગયો છે.
મહાનગરપાલિકાઓએ ફાયર NOC તથા BU પરમિશન રિન્યુઅલ મુદ્દે ઘણી બધી મિલ્કતો સીલ કરી છે. આ પ્રકારના સીલ ખોલાવવા માટે ધંધાર્થીઓએ ફાયર NOC તથા BU પરમિશન રિન્યુઅલ કરાવવા પડે છે. આ માટે સ્ટ્રક્ચરલ આર્કિટેક્ટના NOC ની પણ જરૂર પડતી હોય છે. ધંધાર્થીઓને લાંબો સમય ધંધો બંધ રાખવો પોસાય નહીં. આથી તેઓ નાછૂટકે આ પ્રકારના બધાં પ્રમાણપત્ર મેળવવા મજબૂર બન્યા છે.

આ સ્થિતિનો સંબંધિતો બેફામ લાભ અને ગેરલાભ બંને ઉઠાવી રહ્યાનું જાણવા મળે છે. સરકારે ફાયર NOC ના રિન્યુઅલની સતાઓ ખાનગી લોકોને સોંપી દીધી છે. FSO તરીકે ઓળખાતાં આ ધંધાર્થીઓ રિન્યુઅલ પ્રમાણપત્ર આપવા માટે પાંચ-પાંચ આંકડાની મોટી મોટી રકમો વસૂલી રહ્યા હોવાનું જાણવા મળે છે. આ આખા વહીવટમાં પ્રમાણપત્રો મેળવનારા ધંધાર્થીઓ લૂંટાઈ રહ્યા છે કે કેમ, એ જોવાની સરકારને ફૂરસદ નથી. આ FSO બકરાંની ગરદન કેટલી ભરાવદાર છે એ જોઈને ધંધાર્થીઓ પાસેથી રિન્યુઅલ માટે તોતિંગ ફી વસૂલી રહ્યા હોવાની ચર્ચાઓ છે. કેટલાંક FSO તો જાણે મફતમાં કામ કરી આપતાં હોય એમ, રિન્યુઅલ માટેની આ મોટી ફી કોઈ પણ સેવાકીય સંસ્થાઓને દાનમાં આપી, દાનની પહોંચ દેખાડવાનું પણ કહે છે. આ પ્રકારના FSO આવી સેવાઓ શા માટે કરી રહ્યા છે, એ પણ એક સવાલ છે.
આ ઉપરાંત સીલ થયેલાં એકમોના સીલ ફરીથી ખોલાવવા માટે મહાનગરપાલિકામાંથી BU પરમિશન પણ મેળવવાની હોય છે. આ પ્રમાણપત્ર પણ સહેલાઈથી મળતું ન હોય, સીલ એકમોના ધંધાર્થીઓ તોબા પોકારી ગયા છે. ઘણાં મિલ્કતધારકોએ BU પરમિશન મેળવતાં અગાઉ પોતાની મિલકતનું સ્ટ્રક્ચર યોગ્ય છે એવું પ્રમાણપત્ર સ્ટ્રક્ચરલ આર્કિટેક્ટ પાસેથી મેળવવાનું રહે છે. આ પ્રકારના બધાં જ કામોમાં પાંચ-પાંચ આંકડાઓની મોટી રકમો ધરવી પડતી હોય, ધંધાર્થીઓ ખૂબ જ પરેશાન છે.

-આવી શાળાઓ ખૂલશે ક્યારે ? કે નહીં ખૂલે ?!
હાલમાં ઘણાં બધાં રેસ્ટોરન્ટ, હોટેલો, શાળાઓ અને કોચિંગ ક્લાસ સીલ થઈ રહ્યા છે. સૂત્રના કહેવા અનુસાર, જે મિલકતો પાસે BU પરમિશન નથી અને આ પરમિશન મળે તેમ પણ નથી (કારણ કે મિલકતનું બાંધકામ ખુદ ગેરકાયદેસર હોય છે !!) તેવી મિલકતોના ધારકોને એમ સમજાવવામાં આવે છે કે, 16 જૂન પહેલાં ઈમ્પેક્ટ ફી ભરી આ ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરાવી, BU પરમિશન મેળવી લો. ઘણી શાળાઓ અને હોટેલ સહિતના બાંધકામ આવા પણ છે.
આ ઉપરાંત ઘણી શાળાઓ, રેસ્ટોરન્ટ વગેરેના બાંધકામ 10 રૂપિયાના સ્ટેમ્પવાળી જમીનો પર ખડકાયેલાં છે. આવા બાંધકામોને BU પરમિશન કયારેય મળી જ ન શકે, કેમ કે આવા બાંધકામ ઈમ્પેક્ટ ફી ભરીને પણ નિયમિત ન કરાવી શકાય, આવા બાંધકામો એટલે કે શાળાઓ, રેસ્ટોરન્ટ વગેરેના સીલ હવે કયારેય નહીં ખૂલે ?! આવી શાળાઓના બાળકોનું શું ? આગામી તેરમીએ વેકેશન ખૂલી રહ્યું છે.

આ ઉપરાંત શહેરમાં ઘણી બધી મિલકતો સીલ કરવામાં આવી છે, તેમાં કઈ મિલકત કયા કારણોસર સીલ થઈ અને શહેરમાં આવા જરૂરી પ્રમાણપત્ર વિનાની કુલ મિલકતો કેટલી, વગેરે પ્રશ્નોના જવાબો કોઈ પાસે ન હોય, સમગ્ર શહેરમાં અસંતોષ, અફડાતફડી અને અરાજકતા જેવી સ્થિતિ છે. સેંકડો ધંધાર્થીઓ પરેશાન. કોઈ સંસ્થાઓ એમની મદદે જતી નથી. અધિકારીઓ કોઈનું સાંભળતા નથી એવી ધંધાર્થીઓની લાગણી છે. અને, સેંકડો ધંધાકીય એકમો દિવસોથી બંધ હોય સૌ સંબંધિતો પારાવાર હાલાકીઓ વેઠી રહ્યા છે. ચૂંટાયેલા આગેવાનો પણ આવી સ્થિતિ છતાં અદ્રશ્ય.
