Mysamachar.in-જામનગર:
વર્ષ દરમિયાન મહત્તમ કેટલાં ગુનાઓ દાખલ કરાવવા, કેવા કેવા પ્રકારના ગુનાઓ કયા કયા પોલીસ સ્ટેશન હેઠળ દાખલ કરાવવા અને ક્યા ક્યા ગુનાઓના આરોપીઓને ગણતરીના કલાકોમાં અને ક્યા પ્રકારના આરોપીઓને લાંબા સમય સુધી ‘હાજર’ ન કરવા- વગેરે ઘણી બધી બાબતોમાં ઘણાં પ્રકારના વિજ્ઞાન અને ગણિત ચાલતાં રહેતાં હોય છે, એવી આશંકાઓ ઘણાં બધાં લોકો આપસી વાતચીતોમાં કરતાં રહેતાં હોય છે, કેમ કે પોલીસની આવી બધી બાબતોમાં મોડસ ઓપરેન્ડી જબરદસ્ત હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે.
વેપાર ધંધામાં જે રીતે ચોપડા ચીતરી સરકારને મૂરખ સાબિત કરવાના ઉધામા થતાં હોય છે એ રીતે પોલીસ વિભાગમાં પણ જાતજાતના ચોપડા ચીતરવાની કવાયતો ચાલતી રહેતી હોય છે, નજીકથી ખાખી દર્શન કરતાં લોકોને આવી ઘણી બાબતોની ખબર હોય છે.
તાજેતરનો જ એક દાખલો પોલીસની આ મોડસ ઓપરેન્ડી સમજવા કાફી છે. લાલપુર તાલુકાનો એક નાગરિક જામનગર શહેરમાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના એક વિસ્તારમાં લૂંટાઈ ગયો એવું જાહેર થાય, આ લૂંટ પહેલાં તેનું અપહરણ પણ થાય. આ અપહરણ લૂંટ નકલી પોલીસ દ્વારા થાય અને પછી ગણતરીના કલાકોમાં અસલી એટલે કે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આ નકલી પોલીસ ઉર્ફે લુંટારાઓને શોધી પણ કાઢે અને આ કામનો ઢંઢેરો પીટવામાં આવે– જામનગર પોલીસમાં આ બધું જ શક્ય છે, ચાલતું રહે છે. પોલીસ પોતાના હાથે પોતાની પીઠ થાબડતી રહેતી હોય છે. ચોપડા ચીતરાતા રહે.
જામનગરના અંધાશ્રમ વિસ્તારમાં ભલાભાઈ લાબરીયા નામનો સેતાલુસનો એક ફરિયાદી નકલી પોલીસના હાથે લૂંટાયો હતો અને એ સમયે તેનું અપહરણ પણ થયેલું. એવી સ્ટોરી આ ફરિયાદીના નામે પોલીસમાં જાહેર થયાના ગણતરીના કલાકોમાં જાહેર થયું કે, આ બંને નકલી પોલીસને જામનગર ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધાં છે.
જે બે શખ્સો ઝડપાયા છે તે પૈકી એક શખ્સનું નામ મહેશ ઉર્ફે મયૂર ઉર્ફે મયલો ગોપાલ ચુડાસમા, ઉ.37 અને ધંધો મજૂરી તથા રહેવાસી રામેશ્વરનગર અને બીજા શખ્સનું નામ રાજદીપસિંહ ઉર્ફે મુનો બાબભા પરમાર, ઉ. 32, આ શખ્સ પણ મજૂરી કરે છે. આ બે શખ્સ પૈકી મહેશ ઉર્ફે મયલો પોલીસ માટે નવો ચહેરો નથી, આ શખ્સ વિરુદ્ધ ઘણાં ગુનાઓ પોલીસ ચોપડે છે જ.
આ બંને નકલી પોલીસ ખોડિયાર કોલોની વિસ્તારમાંથી ઝડપાઈ ગયા હોવાનું પોલીસે જાહેર કર્યું છે. આ શખ્સોએ રૂ. 9,500ની રકમ લૂંટી હતી એવું જાહેર થયેલું. લૂંટની આ રકમમાંથી આ શખ્સોએ એક પણ રૂપિયો ખર્ચ કર્યો નથી. પોલીસે આ શખ્સો પાસેથી લૂંટમાં ગયેલી રૂ. 9,500ની રકમ કબજે લીધી છે. ક્રાઈમ બ્રાન્ચ કહે છે: આ શખ્સો અન્ય કોઈ ગુનાને અંજામ આપવાની તૈયારીઓ કરી રહ્યા હતાં ત્યારે બંનેને પકડી લેવામાં આવ્યા છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, શહેર અને જિલ્લામાં હત્યા જેવા ગંભીર ગુનાઓ પણ ઉપરાઉપરી નોંધાઈ રહ્યા છે. આ પ્રકારના તત્વોને કાનૂન અથવા પોલીસનો ડર નથી ? કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પોલીસની ધાક ન હોવાનું ચિત્ર જોવા મળે છે. હત્યા જેવા ગંભીર ગુનાઓના આરોપીઓ લાંબા સમય સુધી પોલીસ પહોંચથી દૂર પણ રહી શકે છે, અન્ય નોંધપાત્ર ગુનાના આરોપીઓ પણ લાંબા સમય સુધી અદ્રશ્ય રહી શકે છે અને ચોક્કસ પ્રકારના પરચૂરણ ગુનાઓ દાખલ થાય તેની ગણતરીની કલાકો બાદ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે, એવી જાહેરાતો થઈ જાય. પોલીસની આ મોડસ ઓપરેન્ડી ચર્ચાઓમાં છે.