Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં લોકોની સતર્કતા સાથે એસીબીની કામગીરી કરવાની પદ્ધતિને કારણે લગભગ દરરોજ કોઈ ને કોઈ સરકારી વિભાગમાંથી કોઈ કર્મચારી અથવા તો અધિકારી લાંચ લેતા એસીબીના છટકામાં આવી જ જાય છે, આવું જ થોડા દિવસો પૂર્વે અમદાવાદમાં બન્યું હતું, જ્યાં અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા PI બાબુ પટેલ સહિતનાઓએ ક્રિકેટ સટ્ટાના કેસમાં ચાર્જશીટ ઝડપથી કરવા માટે સાયબર ક્રાઈમના PI, ASI અને હેડ કોન્સ્ટેબલે આરોપી પાસેથી 10 લાખની લાંચ માગી હતી. આ લાંચની રકમ લેતા સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ અને ASI રંગે હાથ ઝડપાયા હતા તો આ મામલે મુખ્ય આરોપી PI બાબુ પટેલ ફરાર થઈ ગયો હતો.
અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ક્રિકેટના સટ્ટાનો કેસ કરવામાં આવ્યો હતો. આ સટ્ટાનો કેસમાં આરોપીઓને સાઇબર ક્રાઇમના PI બી.એમ પટેલ અને હેડ કોન્સ્ટેબલ અમથા પટેલ રૂબરૂ મળ્યા હતા. આ કેસમાં ચાર્જશીટ ઝડપથી કરવા માટે સટ્ટાના કેસના આરોપીઓ પાસેથી PI અને કોન્સ્ટેબલે પૈસાની માગ કરી હતી. જે રકઝકના અંતે 10 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
સટ્ટા કેસનો આરોપી 10 લાખની લાંચ આપવા ઇચ્છતો ના હોવાથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. ACB દ્વારા સમગ્ર મામલે ટ્રેપ ગોઠવવામાં આવી હતી જેમાં સિંધુભવન હોલની બાજુમાં જાહેર રોડ ઉપર હેડ કોન્સ્ટેબલ અમથા પટેલ અને સાઇબર ક્રાઇમના જ એસ.આઈ ગૌરવ ગામેતી 10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જ્યારે મુખ્ય આરોપી બી એમ પટેલ ફરાર થઈ ગયો હતો. PI બાબુ પટેલ 10 લાખની લાંચ માગવાના પ્રકરણમાં વોન્ટેડ હતો. જે સંદર્ભે ACBની ટીમ તેમને ઠેર ઠેર શોધખોળ કરી રહી હતી. આખરે ગતસાંજે ACBની ટીમે બાબુ પટેલની ધરપકડ કરી લીધી હોવાનું સામે આવ્યુ છે. મહત્વનું છે કે પોલીસ ઇન્સ્પેકટર બાબુ પટેલ અગાઉ જામનગરમાં પીએસઆઈ તરીકે પણ ફરજ બજાવી ચુક્યો છે.