Mysamachar.in: જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં ‘નકલી’ ચર્ચાઓમાં રહે છે. જામનગરમાં નકલી પોલીસકર્મીઓએ એક વ્યક્તિનું અપહરણ કર્યું અને લૂંટ પણ ચલાવી, એવી ફરિયાદ અસલી પોલીસ સમક્ષ થઇ છે. એમ માનવામાં આવી રહ્યું છે કે, સાંજ સુધીમાં આ બંને ‘નકલી’ ઝડપાઈ જશે.
જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ થઈ છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના વિરપરના વતની અને હાલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેતાલુસમાં રહેતાં અને મજૂરીકામ કરતાં 46 વર્ષના ભલાભાઈ અમરાભાઈ ભરવાડે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, આઠમી જૂને બપોરે 03-30 વાગ્યા આસપાસ તેઓ જામનગરમાં અંધાશ્રમ વિસ્તાર નજીકથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે, બે શખ્સોએ તેમને રોકયા હતાં.
આ બે શખ્સો પૈકી એક શખ્સ આશરે 35 વર્ષ આસપાસનો દેખાતો હતો, બીજો શખ્સ આશરે 30 વર્ષનો હોય એવું જણાતું હતું, જે મૂછોવાળો હતો. આ શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી ફરિયાદીને કહ્યું: તેં દારૂ પીધેલો છે, તારો કેસ કરવો છે, એમ કહી આ શખ્સોએ ફરિયાદીને મોટર સાયકલ પર બેસાડી તેનું અપહરણ કરી લીધું. અને ફરિયાદી પાસેથી રૂ. 9,500ની રોકડ રકમ લૂંટી લીધી, એવી ફરિયાદ પોલીસમાં નોંધાવા પામી છે.આ ફરિયાદની તપાસ ચલાવી રહેલાં પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, અમો આરોપીઓ નજીક પહોંચી ગયા છીએ, આગામી કલાકોમાં આરોપીઓને ઝડપી લેવામાં આવશે.