Mysamachar.in: અમદાવાદ
ડાઈંગ ડેકલેરેશન ઘણાં બધાં કેસમાં ખૂબ જ મહત્ત્વનું પૂરવાર થતું હોય છે અને ઘણાં બધાં કેસ એવા પણ હોય છે કે, અદાલતમાં ડાઈંગ ડેકલેરેશન રજૂ તો થાય તો પણ તે સજા માટેનો આધાર બની શકતું નથી. ફરિયાદ પક્ષે ડાઈંગ ડેકલેરેશન આમ તો ખૂબ અગત્યનું હોય છે, જેમાં મરણ તરફ જઈ રહેલી વ્યક્તિ સ્થાનિક મેજિસ્ટ્રેટની હાજરીમાં બનાવ સંબંધે પોતાની કેફિયત નોંધાવતી હોય છે. પરંતુ સજા નક્કી કરતી વખતે અદાલતે આવા કેસમાં ઘણી બારીકાઈથી આગળ વધવું પડતું હોય છે અને ઘણી બધી બાબતોનો અભ્યાસ કરવો પડતો હોય છે. આ પ્રકારનો એક કેસ તાજેતરમાં વડી અદાલત સમક્ષ આવ્યો હતો જેમાં આરોપીઓને છોડી મૂકવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને વડી અદાલતે યોગ્ય ઠરાવ્યો હતો.
આ કેસની વિગતો આ પ્રમાણે છે: આ કેસમાં વડી અદાલતે સર્વોચ્ચ અદાલતના એક ચુકાદાને ટાંકીને મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે, ડાઈંગ ડેકલેરેશન પર આધાર રાખવાનો યાંત્રિક અભિગમ ખૂબ જ ખતરનાક છે અને તેથી અદાલતની એકદમ બારીકાઈભરી નજરે સાવચેતીપૂર્વક ડાઈંગ ડેકલેરેશનને તપાસવાની ફરજ છે કે, શું ડાઈંગ ડેકલેરેશન એ સ્વૈચ્છિક, સત્યતાપૂર્ણ અને સભાન અવસ્થામાં તેમજ સગાવહાલા કે તપાસનીશ એજન્સી એમ કોઈનાથી પ્રભાવિત થઈને તો કરાયું નથી ને ? તેથી મૌખિક ડાઈંગ ડેકલેરેશનના સમર્થન માટે અદાલતે સાવચેતીપૂર્વક જોવું જોઈએ.
આ ચકચારી મર્ડર કેસની વિગતો એવી છે કે, 01-12-1997ના રોજ રણછોડભાઈ પટેલની હત્યા થઈ હતી. તેમનો પુત્ર અરવિંદ આ બનાવમાં ઈજાઓ પામ્યો હતો. અને તે અર્ધબેભાન જેવી હાલતમાં હતો. આ બનાવ આરોપી અરવિંદ પટેલના ફાર્મ પર બન્યો હતો. મુખ્ય આરોપીની બંદૂકવાળી બેગ અરવિંદ રણછોડભાઈ પટેલે ચોરી હોવાની શંકાના આધારે આરોપીએ આ પિતાપુત્રનું અપહરણ કરેલું. બંનેને ફાર્મ હાઉસ લઈ જઈ ઢોરમાર મારવામાં આવ્યો હતો. જેમાં રણછોડભાઈનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું. પુત્ર અરવિંદને અર્ધ બેભાન હાલતમાં સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું પણ મોત થયું. મૃતક રણછોડભાઈના પત્ની પુંજીબહેને વલ્લભ વિદ્યાનગરપોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
ટ્રાયલ કોર્ટે આ કેસમાં આરોપીઓને નિર્દોષ છોડી મૂકતાં ઠરાવેલું કે, નજરે જોનાર સાક્ષીઓ ફરિયાદ પક્ષના કેસને સમર્થન કરતાં નથી. અને પોલીસ અધિકારી સમક્ષનું મૌખિક ડાઈંગ ડેકલેરેશન પણ કોઈ વિશ્વાસ પ્રેરિત કરતું નથી. અરવિંદને બેભાન હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવેલો જ્યાં તેનું મોત થયું હતું. મેડિકલ પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, મરનાર ઈજાઓને કારણે બોલી શકવાની સ્થિતિમાં ન હતો.ટ્રાયલ કોર્ટના આ નિર્ણયને સરકારે વડી અદાલતમાં અપીલ દ્વારા પડકાર આપ્યો હતો. વડી અદાલતે કહ્યું: આ સંજોગોમાં ટ્રાયલ કોર્ટનો મૌખિક ડાઈંગ ડેકલેરેશન નહીં માનવાનો નિર્ણય યોગ્ય અને વાજબી છે. વડી અદાલતે રાજ્ય સરકારની અપીલ ફગાવી દીધી અને આ કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવતો ટ્રાયલ કોર્ટનો હુકમ કાયમ રાખ્યો હતો.
આ કેસમાં વડી અદાલતે ઠરાવ્યું કે, જો જુબાની આપનાર મૌખિક ડાઈંગ ડેકલેરેશન કરવા યોગ્ય સ્થિતિમાં હોય અને જો તે સાચું જણાય તો મૌખિક ડાઈંગ ડેકલેરેશન સજા માટેનો આધાર બની શકે છે. જો કે, અદાલતોએ મૌખિક ડાઈંગ ડેકલેરેશનના સમર્થન માટે પૂરતી સાવધાની રાખવાની રહે છે. જો આવા મૌખિક ડાઈંગ ડેકલેરેશનની સત્યતા સંદર્ભે કોઈ પણ પ્રકારની શંકા પ્રવર્તે તો તેવા સંજોગોમાં સજાના નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં અદાલતે તેના સમર્થનમાં કોઈ પુરાવાઓ જોવા જોઈએ.