Mysamachar.in: અમદાવાદ
રાજ્યમાં દર વર્ષે સરકારના વિવિધ વિભાગોનો ભ્રષ્ટાચાર ઉજાગર થતો રહે છે, આ આંકડાઓમાં પોલીસ વિભાગ અને મહેસૂલ વિભાગ બહુ ચમકતા હોય છે. પોલીસ વિભાગની સાયબર ક્રાઈમ બ્રાંચ પણ ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર સંબંધે ચર્ચાઓમાં આવતી રહેતી હોય છે. તાજેતરમાં વધુ એક પ્રકરણ ગાજયું છે- જેમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર હાલ ફરાર છે. તોડકાંડના આરોપી એવા અમદાવાદના આ પોલીસ અધિકારી ભૂતકાળમાં જામનગરમાં ફોજદાર હતાં, એ વિગત પણ બહાર આવી છે.
અમદાવાદમાં હાલ સાયબર ક્રાઈમ બ્રાંચનો એક કિસ્સો ભારે ચર્ચાઓમાં છે. આ મામલામાં 2 પોલીસ કર્મચારીઓ હાલ 3 દિવસના પોલીસ રિમાન્ડ પર છે, અને આ મામલામાં એક પોલીસ ઈન્સ્પેક્ટર ભાગતા ફરે છે, જેને પોલીસ શોધી રહી છે. આ પોલીસ ઈન્સ્પેક્ટરનું નામ બી.એમ.પટેલ હોવાનું જાહેર થયું છે.
ક્રિકેટ સટ્ટા બેટિંગ કેસમાં આરોપીઓ વિરુદ્ધ ઝડપથી ચાર્જશીટ દાખલ કરવાના એક મામલામાં રૂ. 10 લાખની લાંચ લેવાના કેસમાં ઝડપાયેલા 2 પોલીસકર્મીઓ પૈકી ASI ગૌરાંગ ગામેતી અને હેડ કોન્સ્ટેબલ અમથા પટેલને અમદાવાદ ગ્રામ્ય અદાલતે, આ કેસમાં 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવા હુકમ કર્યો છે. ACB આ કેસમાં બંને પોલીસકર્મીઓના વોઈસ રેકોર્ડિંગ FSLમાં કરાવશે.
આ કેસમાં પોલીસ ઈન્સ્પેક્ટર બી.એમ.પટેલ ફરાર છે અને આ કેસમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચના અન્ય કોઈ કર્મચારીઓ કે અધિકારીઓની સંડોવણી છે કે કેમ તે બાબતે એસીબી તપાસ ચલાવી રહી છે. આ કેસમાં ઝડપાયેલા પોલીસકર્મીઓ કાયદાકીય બાબતોના જાણકાર હોવાથી તપાસમાં સહકાર આપતાં નથી એમ જણાવી તપાસનીશ અમલદારે આ પોલીસકર્મીઓના 7 દિવસના રિમાન્ડની માંગ કરેલી.
આરોપીઓએ આ રીતે લાંચના નાણાંમાંથી કેટલી મિલકતો વસાવી છે, એમના બેન્ક એકાઉન્ટમાં આવા કેટલાં નાણાં છે, વગેરે બાબતોની ચકાસણીઓ કરવા એસીબી આગળ વધી રહી છે. આરોપીઓને વૈજ્ઞાનિક પરીક્ષણો માટે ગાંધીનગર લઈ જવામાં આવશે. આરોપીઓએ લાંચ લેવા બાબતે જે કાંઈ સંવાદો કર્યા હોય તેની ટ્રાન્સસ્ક્રિપ્ટ તપાસના કામે મેળવવી જરૂરી છે. આરોપીઓએ આ રીતે કેટલાં લોકો પાસેથી ‘તોડ’ કર્યો છે તે જાણવા પણ રિમાન્ડ જરૂરી હોય છે. આ મતલબની બધી દલીલો બાદ આ આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસનો સાયબર ક્રાઈમ વિભાગ પણ તોડપ્રથામાં ભરોસો ધરાવે છે, એ મુદ્દો હવે કોઈથી અજાણ નથી.