Mysamachar.in: જામનગર
જામનગર સહિત દેશભરમાં ઘણાં વર્ષથી GST કરમાળખું અમલમાં છે. આ અમલીકરણ દરમિયાન વિવિધ કારણોસર સરકાર એટલે કે GST વિભાગ અને સંખ્યાબંધ કરદાતાઓ વચ્ચે લાખો ટેક્સ વિવાદો રેકર્ડ પર છે. આ તમામ વિવાદો સૂલટાવવા માટે અત્યાર સુધી સરકાર તરફથી કોઈ જ પ્રોત્સાહક પગલાંઓ લેવાયા નથી, વિવાદો વર્ષો સુધી લંબાતા અને ખેંચાતા રહે છે જેને કારણે કરદાતાઓએ આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે અને માનસિક ત્રાસ પણ વેઠવો પડે છે. આ કારણોસર લાખો કરદાતાઓ સરકારના વલણ પ્રત્યે નારાજગીઓ અનુભવી રહ્યા છે. દરમિયાન એવો રિપોર્ટ છે કે, આ પ્રકારના કરદાતાઓ માટે, વિવાદ અપીલ મુદ્દે અચ્છે દિન શરૂ થવામાં છે અને આ માટે સરકાર લેવલે હિલચાલ શરૂ થઈ હોવાનું જાણવા મળેલ છે.

હવેથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના કરદાતાઓ ટેક્સ વિવાદ અંગે સરળતાથી ઓનલાઈન નિરાકરણ લાવી શકશે. આ માટે એક ખાસ પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પ્રચાર એવો થઈ રહ્યો છે કે, આ પોર્ટલ આ પ્રકારના પક્ષકારો માટે આશીર્વાદરૂપ પૂરવાર થશે. હાલમાં પક્ષકારોએ આ માટે ટ્રિબ્યુનલમાં અરજીઓ કરવી પડે છે. આ સમગ્ર પ્રક્રિયાઓ સંપૂર્ણ ઓનલાઈન કરવામાં આવશે.
સરકારનું આ પોર્ટલ તમામ ટ્રિબ્યુનલનું ઓનલાઈન સંચાલન અને મોનિટરીંગ કરશે. દિલ્હીમાં ટ્રિબ્યુનલની પ્રિન્સીપલ બેન્ચ છે, તમામ રાજ્યમાં પણ બેન્ચ છે. પ્રિન્સીપલ બેન્ચની કામગીરીઓ જૂલાઈ કે ઓગસ્ટમાં શરૂ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, સંસદમાં એક પ્રશ્નના ઉત્તરમાં જેતે સમયે કહેવાયું હતું કે, જૂન-2023ની સ્થિતિએ દેશમાં આવી પડતર વિવાદીત અરજીઓની સંખ્યા 14,227 છે.
