Mysamachar.in: રાજકોટ
રાજ્યમાં જ્યારે પણ કોઈ મોટી અને કરૂણ દુર્ઘટના સર્જાય છે, ઉહાપોહ અને અરેરાટી ફાટી નીકળે છે. લોકોમાં પ્રચંડ આક્રોશ વ્યકત થાય છે. ઘણાં બધાં જવાબદારો ખોવાઈ જાય છે અથવા મૂંગા બની જાય છે અને સરકાર સહિત ઘણાં બધાં અગ્રણીઓ વારતાઓ શરૂ કરે છે જે એક અર્થમાં લવારો પણ હોય છે, કેમ કે દુર્ઘટનાઓ બાદ લાંબા સમય સુધી કયાંય, કોઈ ગંભીર કાર્યવાહીઓના દર્શન થતાં નથી. બીજી દુર્ઘટના ન સર્જાય ત્યાં સુધી બધી જ લાલિયાવાડીઓ જેમની તેમ ચાલતી રહે છે.
આ પ્રકારની ગંભીર અને કરૂણ હાલત વચ્ચે, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ અંગેનો ‘સિટ’ નો વચગાળાનો રિપોર્ટ જાહેર થયો. રિપોર્ટ સ્પષ્ટ કહે છે, આ અકસ્માત નહીં, દુર્ઘટના નહીં, તંત્રોએ સર્જેલો હત્યાકાંડ છે.આ રિપોર્ટ કહે છે: વિવિધ 10 મુદ્દાઓના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સરકારને સોંપાયેલો આ રિપોર્ટ પ્રાથમિક અહેવાલ છે. રાજકોટ અગ્નિકાંડ પાછળ રાજકોટ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તથા પોલીસ વિભાગની નિષ્કાળજી જવાબદાર હોવાનું જણાય છે. નીતિ નિયમોને ચાતરીને તંત્રો ગેમઝોન પર કેવી રીતે મહેરબાન રહ્યા, એ હકીકત આ વચગાળાના રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે.
રિપોર્ટ કહે છે: આ ઘટનામાં પ્રાથમિક રીતે પોલીસ વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ માર્ગ મકાન વિભાગની બેદરકારીઓ અને નિષ્કાળજી સામે આવી છે. પોલીસ વિભાગના લાયસન્સ શાખાના તથા તાલુકા પોલીસ મથકના પોલીસ અધિકારીઓએ કોઈ પણ પ્રકારની ખરાઇ કર્યા વગર પર્ફોમન્સ લાયસન્સ આપ્યું હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન RMC ના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગની સીધી રીતે ગંભીર બેદરકારીઓ સામે આવી છે.
ત્રણ ત્રણ વર્ષથી ગેમઝોન ધમધમતો હતો છતાં પણ એક પણ તંત્ર દ્વારા ગેમઝોન વિરુદ્ધ કોઈ પણ પ્રકારના પગલાંઓ લેવાયા ન હતાં. આ જગ્યા રહેણાંક હેતુ માટેની બિનખેતીની જમીન હોવા છતાં ત્યાં, કોમર્શિયલ પ્રવૃતિઓ થતી રહી. આ ઉપરાંત ગેમઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ રસ્તો હતો અને એ પણ શેડમાં બાંધેલો હતો. ઈમરજન્સી દરમિયાન શું કરવું ? તેની કોઈ જ વ્યવસ્થાઓ કરવામાં આવી ન હતી, એમ પણ રિપોર્ટ કહે છે.
બીજી તરફ ફાયર સિસ્ટમમાં પણ પાણી કનેક્શન આપ્યું જ ન હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. આખા ગેમઝોનમાં એક માત્ર ડ્રાય કેમિકલ પાવડર એકસ્ટીંગયુસર હોવાનું રિપોર્ટ કહે છે. આ ઉપરાંત રિપોર્ટ કહે છે, ગો કાર્ટિંગ નજીક ઈંધણ હોવાની જાણકારીઓ સામે આવી છે.