Mysamachar.in: જામનગર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપરનો એક ખેડૂત સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર વડોદરાની એક વિધવાનો ભાઈ બન્યો. પછી બહેને આ ‘ભાઈ’ સાથે વીડિયોઝનો વ્યવહાર કર્યો. બાદમાં આ વીડિયોઝના આધારે બહેને ભાઈને લૂંટી લીધો. આ મતલબની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. મામલો રૂ. 27 લાખની લેતીદેતીઓ સુધી પહોંચી ગયા બાદ, મામલો પોલીસ સ્ટેશન ગયો. ફરિયાદ કહે છે: આ છેતરપિંડી છે.
પોલીસ ફરિયાદ કહે છે: કાલાવડ તાલુકાના હરિપરના ખેડૂત અમૃતલાલ દામજીભાઈ વસોયા (ઉ.વ. 58) 2020ની સાલમાં ફેસબુક મારફતે વડોદરાની કવિતા અશ્વિન મિસ્ત્રી (એ/6, પ્રભાત ફ્લેટ, યમુનાનગર, રણમુકતેશ્વર રોડ, પ્રતાપનગર પાસે, વડોદરા)ના સંપર્કમાં આવ્યા. બંને વચ્ચે ભાઈ બહેન તરીકે વાતચીત થઈ.
દરમિયાન, આરોપી મહિલા કવિતાએ ફરિયાદીને કહેલું કે, મારાં પતિ ગુજરી ગયા છે. હું અને મારી દીકરી નેન્સી સાથે રહીએ છીએ. મારી આર્થિક સ્થિતિ નબળી છે. પછી કવિતા બોલી: મારી નોકરી જતી રહી. ઘર ચલાવવામાં પણ તકલીફ છે. મને આર્થિક મદદ કરો. બાદમાં ફરિયાદી અમૃતલાલે બહેન ગણી કવિતાને પ્રથમ વખત નાણાં ટ્રાન્સફર કર્યા.
ફરિયાદ જણાવે છે કે, બાદમાં અમુક રકમ આંગડિયા મારફતે અને અમુક રકમ કમલેશ વાણિયા (સાહેદ)ના બેન્ક એકાઉન્ટ મારફતે ફરિયાદી પાસેથી આરોપી મહિલા સુધી પહોંચી હતી. વચ્ચે વચ્ચે કવિતાએ દીકરીની સર્જરી અને પોતાના ગર્ભાશયના કેન્સરની પણ વાત કરી હતી. આ ઉપરાંત દીકરીની શૈક્ષણિક ફી ની પણ વાત થયેલી. તે દરમિયાન ફરિયાદીએ આ મહિલાને કટકે કટકે રૂ. 11,02,500 આપ્યા. આ રકમ બેંક ખાતાંમાં જમા કરાવવામાં આવેલી.
ત્યારબાદ ફરિયાદીએ આ મહિલાની પાસે ઉછીના પૈસા પરત મેળવવા માંગણી કરેલી પરંતુ મહિલા બહાના દેખાડતી રહી. દરમિયાન, બેંક લોનની વાત થઈ. જેમાં અમુક રકમ એડવાન્સ જમા કરાવવા બાબતે વાત થતાં ફરિયાદીએ વધુ રૂ. 4 લાખ આ મહિલાને આપ્યા હતાં. ત્યારબાદ ફરિયાદીએ આ મહિલા પાસે નાણાંની કડક ઉઘરાણી કરતાં મામલામાં વળાંક આવ્યો.
મહિલાએ અમૃતલાલને કહ્યું: તમારાં વીડિયોકોલના વીડિયોઝ બનાવી લીધાં છે. રૂ. 5.50 લાખ નહીં આપો તો, આ વીડિયોઝ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર વાયરલ કરવામાં આવશે. સાથે અન્ય ધમકી આપવામાં આવી. બાદમાં અમૃતલાલે મહિલાને રૂ. 5.50 લાખ આપ્યા. આ નાણાં આંગડિયા મારફતે મોકલ્યા હતાં. બાદમાં ફરી વીડિયોઝ વાયરલની વાતો અને અમૃતલાલે ફરીથી કુલ રૂ. 6.45 લાખ આ મહિલાને આપ્યા.
બાદમાં, આ મહિલાએ વચ્ચે આત્મહત્યાની પણ ધમકી આપી હતી એવું ફરિયાદી કહે છે. આ સમગ્ર મામલામાં મહિલાએ રૂ. 27.12 લાખ બળજબરીથી પડાવી લીધાં છે અને પરત નહીં આપી છેતરપિંડીઓ કરી છે, એવી ફરિયાદ અમૃતલાલ વસોયાએ કવિતા નામની આ મહિલા વિરુદ્ધ નોંધાવી છે. સમગ્ર કાલાવડ પંથકમાં આ મામલાની ચર્ચાઓ ચાલે છે.