Mysamachar.in-જામનગર:
આ તે કેવી નિષ્ઠુર માતા હશે…કે જેને પોતાને પેટેથી જન્મ આપેલ માત્ર 10 માસની બાળકીને કુવામાં ફેંકી દઈ અને મોતને ઘાટ ઉતારી દીધી…આ ઘટનાએ જામનગર જીલ્લા સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં સારી એવી ચકચાર જગાવી છે, ઘટના છે જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામની જ્યાં એક માં એ માં ની મમતા લજવાય તેવું કૃત્ય કરતા તેના પર ફિટકાર વરસી રહ્યો છે, સગી જનેતા જ જમ બનીને પોતાની પુત્રીની બીમારીથી કંટાળી જઈને માસુમ પુત્રીને કુવામાં ફેંકી દઈ હત્યા નીપજાવી હોવાનું સ્થાનિક પોલીસનું કહેવું છે,
આ અંગે જાહેર થયેલ વધુ વિગતો એવી છે કે ધ્રોલમાં રહી ખેત મજુરી કરતા કાળુભાઈ સવજીભાઈ આદીવાસી નામના મૂળ અલીરાયપર જિલ્લાનો વતની યુવાન ધ્રોલના હાડાટોડા ગામે આવેલ વિરેન્દ્રસિંહ જાડેજાની વાડીમાં રહી ખેતમજૂરી કરતા હતા. જે પોતાની પત્ની સંગીતાબેન, નાના ભાઈ સહિતના પરિજનો સાથે રહીને ખેત મજૂરી કરતા હતા. જેને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. જેમાં તેની નાની દિકરી ખુશીને જન્મ થયેલ તે વખતથી જ શ્વાસ લેવામાં તકલીફ હતી. જેથી તેને સવા મહીના જેટલો સમય આઈ. સી.યુ.માં રાખેલ હતી. અને બે દીવસ પૂર્વે ખુશીનું અપહરણ થયા અંગેની ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેની ધ્રોલ પી.એસ.આઈ.પ્રકાશ પનારા સહિતનાઓ દ્વારા કરવામાં આવતા તપાસમાં ચોકાવનારા ઘટસ્ફોટ થયા છે અને માતા જ હત્યારી નીકળી છે,
પોલીસને ઘરના સભ્યો અને ખાસ કરીને માતા સંગીતાની પૂછપરછમાં શંકા જતા બાળકીને કૂવામાં નાખી દીધી હોવાની શંકાના આધારે પોલીસે ફરિયાદીની હાજરીમાં કૂવો ખાલી કરાવ્યો હતો અને આ દરમિયાન કૂવામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોલીસ તપાસમાં માતા સંગીતા ભાંગી પડી હતી અને પોતે દીકરી ખુશીનો જન્મ થયો ત્યારથી શ્વાસની તકલીફ હોય અને રાત્રીના પણ રડતી હતી. જે સુવા દેતી ન હોય અને હેરાન કરતી હોય જેથી પોતે જે આશરે સાડા ત્રણેક વાગ્યાની આસપાસ ખુશીને કુવામાં નાખી દીધાની કબુલાત પોલીસ સમક્ષ કરી લીધી હતી, પત્નીની કબુલાત બાદ પોલીસે પતિની ફરિયાદના આધારે પત્ની સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.