Mysamachar.in:જામનગર:
જામનગર જિલ્લાના જળાશયોની આજે પહેલી જૂને સવારે 6 વાગ્યે પાણીના જથ્થાની શું સ્થિતિ છે તેના સિંચાઈ વિભાગે એકત્ર કરેલાં આંકડાઓ વહીવટીતંત્રના માધ્યમથી જાહેર કરવામાં આવ્યા છે જે દર્શાવે છે કે, રણજિતસાગરને બાદ કરતાં બાકીના 25 જળાશયો પૈકી 20 એટલે કે 80 ટકા જળાશયો લગભગ ‘ખાલી’ કહી શકાય તેવી સ્થિતિમાં છે. અગાઉ એવું જાહેર થયું હતું કે, જામનગર જિલ્લામાં જૂન-જૂલાઈ દરમિયાન પાણીની સ્થિતિ ચિંતાપ્રેરક નહીં રહે.
કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આંકડાઓ અનુસાર, જિલ્લામાં વીજરખી, ઉંડ-1, વોડીસાંગ, બાલંભડી અને વાગડીયા એમ પાંચ જળાશયોમાં 20-25 ટકા જેટલો પાણીનો જથ્થો છે, બાકીના 20 ડેમમાં પાણીનો જથ્થો નહિવત્ છે. જો કે, સિંચાઈ વિભાગની આ યાદીમાં જામનગરના રણજિતસાગર ડેમનો ઉલ્લેખ નથી કેમ કે આ ડેમ જામનગર મહાનગરપાલિકા હસ્તક છે.

કલેક્ટરની યાદી અનુસાર, સસોઈ ડેમમાં 8.37 ટકા જેટલું પાણી હવે રહ્યું છે. પન્ના ડેમમાં 16.18 ટકા, ફૂલઝર-1માં 8.71 ટકા, સપડામાં 10.08 ટકા, વીજરખી ડેમમાં 28.11 ટકા જેટલો પાણીનો જથ્થો છે. ફૂલઝર-2 ખાલી કહી શકાય. આ ઉપરાંત ડાઈ મીણસાર પણ લગભગ ખાલી જેવી સ્થિતિમાં, ફોફળ-2 પણ ખાલી જેવી સ્થિતિમાં, ઉંડ-3માં 15.48 ટકા જેટલું પાણી છે. આજી-4માં હવે 1.42 ટકા જેટલું જ પાણી રહ્યું છે.
આ ઉપરાંત રંગમતી ડેમમાં માત્ર 0.44 ટકા પાણી, ઉંડ-1માં 21.29 ટકા પાણી છે. કંકાવટીમાં 4.07 ટકા પાણી, ઉંડ-2 માં 0.01 ટકા, વોડીસાંગ ડેમમાં 26.12 ટકા પાણી, ફૂલઝર (કોટડા બાવીસી) ડેમમાં 2.78 ટકા, રૂપાવટી તથા સસોઈ-2 ખાલી પડ્યા છે. રૂપારેલ ડેમમાં 9.55 ટકા, વનાણા ડેમ ખાલી, બાલંભડી ડેમમાં સૌથી વધુ 35.25 ટકા પાણી છે. ઉમિયાસાગરમાં 7.09 ટકા, વાગડીયામાં 28.38 ટકા અને ઉંડ-4 ડેમમાં 9.48 ટકા જેટલો પાણીનો જથ્થો રહ્યો છે.
(પ્રસ્તુત તસ્વીર ફાઈલ છે)
