Mysamachar.in-જામનગર:
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વિવિધ વ્યવસાયીઓને ત્યાં તથા શૈક્ષણિક સંસ્થાઓ વગેરેમાં ફાયર સલામતી સહિતના મુદ્દાઓ પર દોડધામ શરૂ થઈ છે. લોકોમાં પણ ઉચાટ અને ડર છે. બીજી તરફ સંબંધિત ધંધાર્થીઓ હાંફળાફાંફળા બની ગયા છે. આ બધી બાબતો એકાદ બે દિવસની વાત નથી. સૌએ શાંતિથી ચોક્કસ રણનીતિ અને પૂરતી તૈયારીઓ સાથે આગળ વધવું પડશે.
ગ્રાહક તરીકે તમે કોઈ પણ ખાણીપીણીના એકમ પર જાઓ છો ત્યાં તમે નાણાં ખર્ચીને ચીજો ખરીદો છો. તમે ગ્રાહક રાજા છો. તમારાં અધિકારો અંગે જાગૃત રહો. તમે જે કોઈ પણ હોટેલ, રેસ્ટોરન્ટ કે ઢાબા જેવી જગ્યાઓ પર જાઓ છો ત્યાં તપાસ કરો, સંચાલક ફાયર NOC ધરાવે છે, આ NOC યોગ્ય સમયે રિન્યુ કરવામાં આવેલ છે. ફાયરના સાધનો આગના સમયે ઉપયોગમાં આવી શકે તે સ્થિતિમાં છે. વાતવાતમાં સંચાલકને એ પણ પૂછી લો કે તમારાં સ્ટાફને આ ફાયર સિસ્ટમથી આગ બૂઝાવવા તમે તાલીમ આપી છે કે કેમ. આ બધી જ બાબતો ગ્રાહક તરીકે તમારે જાણવી આવશ્યક છે. આ જાણકારીઓથી ધંધાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક દબાણ આવશે. ધીમેધીમે તેને પણ પોતાની જવાબદારીઓનું ભાન થશે. જામનગરમાં આવેલ પ્રેસિડેન્ટ હોટેલ સહિતની કેટલીક મોટી હોટેલોના કાઉન્ટર પર આ પ્રકારના ફાયર NOC સર્ટિફિકેટ મઢાવીને ગ્રાહકોની જાણકારીઓ અને સંતોષ માટે ડિસ્પ્લેમાં રાખવામાં આવે છે, જે આવકાર્ય છે.

આ જ રીતે દરેક ખાણીપીણીના ધંધાર્થીઓએ ગ્રાહકોને એ ખાતરી કરાવવી જોઈએ કે અમારે ત્યાં સ્વચ્છતા અને હાઈજિન માટેના તમામ ધારાધોરણનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવે છે. આપ અમારૂં કીચન, સ્ટોર રૂમ તથા વોશ એરિયા નિહાળી શકો છો, કોઈ પણ સંકોચ વિના. આ ઉપરાંત ખાણીપીણીના દરેક ધંધાર્થીઓએ પોતાના ગ્રાહકો સમક્ષ ઉઘાડી ચેલેન્જ આપવી જોઈએ કે, અમારી ફૂડ કવોલિટીઝમાં કોઈ પણ પ્રકારની ખામી સાબિત કરનાર ગ્રાહકને ઈનામ આપવામાં આવશે અને જાગૃત ગ્રાહક તરીકે એમનું સન્માન કરવામાં આવશે. ગમે ત્યાં ઝાપટવા બેસી જવાની આપણી કુટેવ ધંધાર્થીઓને ગંદી રીતે ધંધો કરવા પ્રોત્સાહન આપે છે.
માત્ર ચેકિંગ અને દરોડા પર આધાર ન રાખો. ગ્રાહક તરીકે તમારે જાગૃત થવું જ પડશે. માત્ર તંત્રો પર આધાર ન રાખો. આરોગ્ય મુદ્દે સંવેદનશીલ બનો. જામનગરમાં આટલાં બધાં દવાખાના અને હોસ્પિટલ તથા મેડિકલ સ્ટોર અને લેબોરેટરીઓ ધમધમે છે એમાં આપણી અબૂધતા અને જાગૃતિનો અભાવ પણ જવાબદાર છે, એ યાદ રહે.

આ ઉપરાંત કેટલાંક ધંધાર્થીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો તંત્ર સામે એવી દલીલો કરતાં હોય છે કે અમારૂં બાંધકામ 9 મીટર કરતાં ઓછી ઉંચાઈ ધરાવે છે તેથી ફાયર પ્રિવેન્શન સિસ્ટમ સંબંધિત નિયમો અમોને બંધનકર્તા નથી. આ દલીલ કોઈ પણ રીતે વાજબી નથી. ધારો કે આવા ધંધાકીય એકમની ઉંચાઈ સાડા આઠ કે આઠ મીટર છે, તો ત્યાં શું આગ ન લાગી શકે ?! આગ ગમે ત્યારે, ગમે તે જગ્યાએ ફાટી નીકળે. સૌ જાગૃત રહે. સૌ ફાયર સલામતી મામલે ચિંતાઓ કરે, તંત્રને સહયોગ આપે તે ઈચ્છનીય લેખાય. અને, તંત્રએ પણ આ આખો ઉત્સવ માત્ર 36 કે 48 કલાક જ નથી ઉજવવાનો, તમારે દરરોજ કામ કરવાનું જ છે. તમને લોકો પગાર આપે છે. તમે સેવકો છો. સુરત અથવા રાજકોટ જેવો અગ્નિકાંડ જામનગરમાં પણ સર્જાઈ શકે, જો આપણે સૌ જાગૃત ન રહીએ તો.
માત્ર ફાયર NOC કે બીયુ પરમિશનની ચકાસણીઓ જ ન થવી જોઈએ. કોઈ પણ ધંધાની જગ્યાએ હંગામી સ્ટ્રક્ચર માટે ઘાસ શણ, લાકડું, પ્લાસ્ટિક જેવી ઝડપથી સળગી ઉઠે એવી ચીજોના ઉપયોગ અંગે પણ જાગૃતિ જરૂરી. જ્યાં વધુ લોકો એકત્ર થતાં હોય એવા સ્થળે ગેરકાયદેસર બાંધકામ છે કે કેમ, ઈમરજન્સી એક્ઝિટ માટે પૂરતી જગ્યા છે કે કેમ, આવી જગ્યાઓ આસપાસ તદ્દન નજીક વીજ ટ્રાન્સફોર્મર કે હેવી વીજવાયરો કે મોટાં અથવા સડેલાં વીજ થાંભલા છે કે કેમ, આવી જગ્યાઓમાં વાયરિંગ સડેલું નથી ને, આવા સ્થળો આસપાસ ગંદકી નથી ને ? વગેરે બાબતોની નિયમિત ચકાસણીઓ થવી જોઈએ, લોકોએ પણ પોતાના અધિકારો અને ફરજો પ્રત્યે જાગૃત થઈ જવું જોઈએ. આ આખો જંગ એકાદ બે દિવસ માટે કે એકાદ બે વ્યક્તિ માટે નથી. સૌ જાગે. સૌ ફરજો બજાવે.
