Mysamachar.in:અમદાવાદ:
સમગ્ર રાજ્યમાં ધૂમ ગરમી પડી રહી છે, ઘણાં લોકોને હોસ્પિટલમાં ડાયાલિસીસ પર રાખવા પડે છે, ઘણાંને વેન્ટિલેટર પર રાખવા પડે છે, ઘણાંને ICU માં ભરતી કરવા પડે છે અને મીડિયા રિપોર્ટ્સ મુજબ ઘણાં લોકોના ગરમી એટલે કે હીટસ્ટ્રોકના કારણે મોત થઈ રહ્યા છે. બીજી તરફ રાજ્ય સરકાર કહે છે: રાજ્યમાં આ ઉનાળામાં હીટ સ્ટ્રોકને કારણે એક પણ વ્યક્તિનું મોત નોંધાયું નથી. આ સ્થિતિમાં લોકો પૂછે છે: સાચી હકીકતો શું છે ?!
સરકારે કબૂલાત આપી છે કે, આ પ્રકારના શંકાસ્પદ કેસોમાં મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવતાં ન હતાં. આ અંગેના મીડિયા અહેવાલો બાદ હવે સરકાર આવા શંકાસ્પદ કેસોમાં પોસ્ટમોર્ટમ કરાવી રહી છે. આ પ્રકારના 18 કેસમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. આ 18 કેસમાં એક કેસ જામનગરનો છે. સૌથી વધુ પોસ્ટમોર્ટમ સુરતમાં 9 મૃતદેહના થયા છે.
અમદાવાદમાં બે વ્યક્તિના તથા બે નવજાતના મોત હીટ સ્ટ્રોકના કારણે થયા બાદ સરકારે આ હોસ્પિટલોને કહ્યું છે કે, આ કિસ્સાઓમાં તપાસ કરો. રાજ્યના 17 જિલ્લાઓમાં મે મહિનાના 29 દિવસ દરમિયાન સરકારના રેકર્ડ પર હીટ સ્ટ્રોકના કુલ 122 કેસ હોસ્પિટલમાં દાખલ છે. અન્ય 15 જિલ્લાઓમાં હીટ સ્ટ્રોકનો એક પણ કેસ રેકર્ડ પર નથી.
હીટ સ્ટ્રોકના જે કેસ ખાનગી હોસ્પિટલમાં દાખલ હોય છે તેની ગણતરી સરકારમાં થતી નથી. સરકાર માત્ર સરકારી હોસ્પિટલની જ વિગતો ધ્યાન પર લ્યે છે. કારણ કે, આ બિમારીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત સમાવવામાં આવી નથી. 17 એપ્રિલથી 29 મે દરમિયાન રાજ્યમાં ગરમી સંબંધિત બિમારીઓના કુલ 3,788 કેસ 108 એમ્બ્યુલન્સ સેવામાં નોંધાયા છે. સરકાર ગરમીની સિઝનના આ આંકડાઓનો રેકોર્ડ રાખતી નથી.
અમદાવાદ મીડિયા રિપોર્ટ્સ કહે છે: સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ગરમીના રોગોને કારણે ઘણાં બધાં કેસ આવી રહ્યા છે. ખાસ કરીને, વૃદ્ધો અને નવજાત બાળકોની સ્થિતિ આ ગરમીમાં વધુ ગંભીર બનતી હોય છે. જો કે, સરકારી હોસ્પિટલના આંકડાઓ એમ કહે છે કે, રાજ્યના હીટ સ્ટ્રોકના 122 કેસ પૈકી માત્ર 16 કેસ અમદાવાદના છે. બિનસતાવાર રિપોર્ટ્સ મુજબ આ આંકડાઓ વધુ મોટા છે.