Mysamachar.in:ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં જમીન મોટો મુદ્દો છે. કાયદેસરના ધંધાર્થીઓ, ગેરકાયદેસરના ધંધાર્થીઓ અને મોટા માફિયાઓ બધાં જ પાસે લગડી જમીનો છે. આ બધી જ જમીનો જુદાં જુદાં ઉપાયો વડે તેમણે અંકે કરી લીધી હોય છે. આખા રાજ્યમાં સૌ જાણે છે કે, સરકારી અધિકારીઓ જમીનમાફિયાઓના મદદગાર હોય છે અને ઘણાં કિસ્સાઓમાં તો ભાગીદાર પણ હોય શકે !!
જમીનોનો મુદ્દો રાજ્યમાં ચર્ચાઓમાં આવ્યો છે. રાજ્યમાં સરકારની જેટલી જમીનો છે તે પૈકી 60 ટકાથી વધુ જમીનો દબાણકારોના કબજામાં છે (સરકાર શું કરે છે ?- એવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે). ખાનગી જમીનો કરતાં સરકારી જમીનો પરનું દબાણ વધુ રહે છે. ખૂબીની વાત એ પણ છે કે, આવી સરકારી જમીનો પર જે દબાણો હોય, તે દબાણો નિયમિત કરી આપવા સરકારમાં પુષ્કળ અરજીઓ આવે છે. મહેસૂલ વિભાગને વર્ષે આવી 6-7 હજાર અરજીઓ મળતી રહે છે.
સરકારી જમીનો ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવે છે, એવા આક્ષેપ અને ફરિયાદો પણ થતી રહે છે. સરકારે 20 ટકા જેટલી જમીન વન પર્યાવરણ માટે અનામત રાખી છે. કેટલાંક કિસ્સાઓમાં સરકારે આપેલી જમીનો ઔદ્યોગિક એકમોએ પરત પણ નથી આપી. આ તમામ દબાણો હટાવવા ચાર વર્ષ અગાઉ લેન્ડ ગ્રેબિંગ કાયદો પણ બન્યો છે. દાવો કરવામાં આવે છે કે, 4 લાખ ચો.મી. સરકારી જમીન અને 12 લાખ ચો.મી. ખાનગી જમીનો છૂટી કરાવવામાં આવી છે. સરકારી જમીનો પર દબાણ કરનારાઓ વિરુદ્ધ 400થી વધુ FIR પણ થઈ છે.
વનવિભાગની જમીનો પર દબાણ હોય એવા 190 કેસ છે. રાજ્યમાં 2012માં ગૌચરની જમીનો પૈકી 99,333 લાખ ચો.મી. જમીન પર દબાણ હતું. 2016માં આ દબાણ 3.70 કરોડ ચો.મી. થયું. અને, પછી સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે, આ દબાણ વધીને 4.72 કરોડ ચો.મી. થયું છે. સરકારી જમીનો પરના દબાણ અને ગેરકાયદેસર બાંધકામ સંબંધે અધિકારીઓ સસ્પેન્ડ પણ થતાં રહે છે. કલેક્ટર સુધીના અધિકારીઓની ધરપકડ થઈ રહી છે.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશિયા ગામે ઉધડ જમીનના નામે કૌભાંડ આચરી 82 એકર સરકારી ખરાબાની જમીન આપી દેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ પ્રકારના કૌભાંડમાં એકસાથે આટલી જમીન આપી દેવામાં આવી હોય, એવો રાજ્યમાં આ પ્રથમ દાખલો છે. આ ચકચારી કૌભાંડની આખી ફાઈલ ગૂમ થઈ ગઈ છે.
થરાદ, સુરેન્દ્રનગર અને કચ્છ સહિતના પંથકોમાં સરકારી જમીનોના સેંકડો કૌભાંડ ચર્ચાઓમાં રહે છે પરંતુ તંત્રો એકશન લેતાં નથી અને જન પ્રતિનિધિઓ આવા મુદ્દે મૌન રહેતાં હોય છે. સૌ આવા કૌભાંડોના લાભાર્થીઓ હોય છે ?! સુરતમાં કેટલી સરકારી જમીન દબાણ વગરની એટલે કે ખાલી છે ? આ પ્રશ્નનો ઉત્તર ગુજરાતના મહેસૂલ વિભાગ પાસે નથી. ગુજરાતમાં 500થી વધુ ગામડાંઓ એવા છે જ્યાં સરકારે ફાળવેલી ગૌચરની જમીનો ઔદ્યોગિક એકમોના કબજામાં છે. સરકાર તથા અધિકારીઓ મૌન છે. રાજ્યમાં કલેક્ટરો- ભૂમાફિયાઓ- નેતાઓ અને બિલ્ડર્સની મિલીભગતથી 7,000 કરોડની 60 ટકા ‘સરકારી’ જમીનો પર દબાણ અડીખમ ઉભાં છે.