Mysamachar.in-રાજકોટ:
ગત્ શનિવારે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ સર્જાયો, આજે આટલાં દિવસ બાદ પણ એ નક્કી થયું નથી કે, આ ગોઝારી ઘટનામાં કુલ કેટલાં લોકો ભડથું થઇ ગયા. ઉપરાંત મૃતદેહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટસની કોઈ જ સત્તાવાર વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. દરમિયાન, તપાસ ટૂકડી SIT એ પોતાના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં કોર્પોરેશન અને પોલીસને આ કાંડ સંદર્ભે દોષિત ઠરાવી છે.
રાજ્ય સરકારે આ અગ્નિકાંડની પ્રાથમિક તપાસ કરી છે અને આ રિપોર્ટ કાલે મંગળવારે મોડી સાંજે, મુખ્યમંત્રી તથા મુખ્ય સચિવને સોંપી દીધો હોવાનું જાહેર થયું છે. દરમિયાન, રાજકોટથી અહેવાલ છે કે, આ અગ્નિકાંડ સંબંધે જેમના નિવેદનો લેવામાં આવ્યા છે, તેમને બચાવી લેવામાં આવ્યા છે અને જે સાત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમના નિવેદન રેકર્ડ પર લેવામાં આવ્યા નથી. ચિંતિત લોકોમાં એવી આશંકાઓ છે કે, કાર્યવાહીઓ કરવામાં આવી છે એવું દેખાડીને ખરાં ગુનેગારોને બચાવી લેવામાં આવે એવી પણ એક શક્યતા છે.
આ અગ્નિકાંડમાં રાજકોટ કોર્પોરેશન અને રાજકોટ પોલીસની ગુનાહિત બેદરકારીઓ જાહેર થઈ ગઈ છે. તપાસ રિપોર્ટ પણ આમ જ કહે છે. હવે સૌની નજર રાજ્ય સરકાર આ રિપોર્ટ બાદ શું કરે છે, તેના પર છે. દરમિયાન, એવું પણ જાહેર કરવામાં આવ્યું છે કે, ગેમઝોન સંચાલકો પૈકીનો એક આરોપી પ્રકાશ હીરણ (જૈન) આ દુર્ઘટનામાં ભડથું થઇ ગયો છે. જો કે આ માટે માત્ર DNA રિપોર્ટનો જ આધાર લેવામાં આવ્યો છે, આ વાતનો અન્ય કોઈ પુરાવો રેકર્ડ પર નોંધાયો નથી. આ અગ્નિકાંડમાં અત્યાર સુધી 11 મૃતદેહોની સોંપણી પરિવારજનોને થઈ છે અને 17 લોકોના DNA મેચ થયાનું જાણવા મળેલ છે. કુલ મૃત્ય આંક 28 જાહેર કરવામાં આવ્યો છે. આ આંકડા અંગે અનેક વાતો થઈ રહી છે. આધારભૂત અને પુરાવાઓ સાથેની કોઈ જ વિગતો જાહેર થઈ નથી. અગ્નિકાંડ બાદ સ્થળ પરથી (પુરાવાઓના નાશ માટે) કાટમાળ, રાખ વગેરે કોણે, કયારે, શા માટે અને કોના કહેવાથી હટાવી દીધાં, એ અંગેની કોઈ જ સ્પષ્ટ વિગતો કોઈ બોલતું નથી. તપાસ કરનાર અધિકારીઓ પણ નહીં.