Mysamachar.in: ગાંધીનગર
રાજ્યના જુદાં જુદાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણાં બધાં લોકોના ઘણાં બધાં કામો સરકારના વિવિધ વિભાગોમાં જુદાં જુદાં કારણોસર પડતર હોય છે, લોકોએ આ કામો અંગે પોતાના વિસ્તારોના સાંસદ અને ધારાસભ્યોને પણ આ કામો અંગે રજૂઆત કરી હોય છે, બાદમાં જનપ્રતિનિધિ આ રજૂઆતોનો અભ્યાસ કરી, યોગ્ય ભલામણ સાથે આ રજૂઆત સરકારના સંબંધિત વિભાગને મોકલતાં હોય છે.ગાંધીનગર સચિવાલય સાથે સંકળાયેલા અધિકારીઓ જણાવે છે કે, સાંસદો અને ધારાસભ્યોની ભલામણો સાથેના આ પ્રકારના 694 કામો હાલ પેન્ડિંગ છે. જે જુદાં જુદાં સરકારી વિભાગો સાથે સંબંધિત છે. ગત્ સપ્તાહે સરકારના વિવિધ વિભાગના સચિવોની એક બેઠક યોજાઈ હતી, જેમાં ઉપરોકત પડતર 694 કામો અંગે લંબાણથી ચર્ચાઓ થઈ હતી.
સૂત્ર જણાવે છે: રસ્તાઓ, પાણી વિતરણ, ગટરો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધે લોકો જન પ્રતિનિધિઓને ઘણી ફરિયાદ કરતાં હોય છે. જે ફરિયાદો સરકાર સ્તરની હોય છે એ ફરિયાદો ગાંધીનગર મોકલવામાં આવે છે. સરકારી આંકડાઓ અનુસાર, આ પ્રકારના જે 694 કામો પેન્ડિંગ છે તે પૈકી 632 કામ ગત્ મહિના દરમિયાન પણ પડતર હતાં, અને આ મહિને મે મહિનામાં નવી 132 ફરિયાદ વિવિધ વિભાગોને મળી. મે મહિનામાં કુલ 61 ફરિયાદનો નિકાલ થઈ શક્યો છે.આંકડાઓ મુજબ, આ ફરિયાદો પૈકી 156 ફરિયાદ રજૂઆત 6 મહિનાઓ કરતાં વધુ સમયથી પેન્ડિંગ છે. પાછલાં 6 મહિના દરમિયાન 267 ફરિયાદ પેન્ડિંગ રહી. 249 ફરિયાદ એવી છે જે 3 મહિનાથી પેન્ડિંગ છે અને 22 ફરિયાદ છેલ્લા એક મહિનાથી પેન્ડિંગ છે.
સરકારના R & B વિભાગમાં સૌથી વધુ 289 ફરિયાદ પેન્ડિંગ છે, જે અંગે સાંસદો તથા ધારાસભ્યોએ ભલામણો કરેલી છે. મહેસૂલ વિભાગમાં આવી 90 ફરિયાદ પડતર છે. શહેરી વિકાસ વિભાગમાં 69 ફરિયાદ પેન્ડિંગ છે. અધિકારીઓ કહે છે, હજુ પણ ચૂંટણી આચારસંહિતા ચાલી રહી હોય, ફરિયાદોનો હાલ નિકાલ થઈ શકતો નથી. કેટલાંક કિસ્સાઓ નીતિ વિષયક નિર્ણયો સાથે સંબંધિત હોય છે.