Mysamachar.in:ગાંધીનગર:
દર વખતે એવું જોવા મળે છે કે, ક્યાંક નિયમોનું પાલન કરાવવામાં આવતું નથી અથવા ક્યાંક બેદરકારીઓ દાખવવામાં આવે છે, જેને પરિણામે એક પછી એક દુર્ઘટનાઓ સર્જાતી રહે છે અને આવા કિસ્સાઓમાં તપાસો અને રિપોર્ટ પછી પણ અમુક કસૂરવારો સજામાંથી યેનકેન પ્રકારે બચી જતાં હોય છે જેને કારણે સરકાર પ્રત્યે લોકોમાં ઘેરી નારાજગીઓ છે. આ સ્થિતિ બદલાવવા હવે કાયદામાં સુધારાઓ કરવામાં આવશે, એવી હિલચાલ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ પછી હવે દેખાઈ રહી છે.
ગત્ શનિવારે રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો તે પછી સમગ્ર રાજ્યમાં લોકોમાં આક્રોશ મોટાં પ્રમાણમાં છે. સરકાર અને સ્થાનિક તંત્રોની રહીસહી આબરૂ ભરબજારે રગદોળાઈ ચૂકી છે. નેતાઓ અધિકારીઓ પર કોઈ જ નિયંત્રણ ધરાવતાં નથી, એ વધુ એક વખત ઉઘાડું થઈ ગયું. અથવા, નેતાઓ અધિકારીઓ પાસે યોગ્ય રીતે કામ લઈ શકતા નથી અથવા નેતાઓ ખુદ પણ અધિકારીઓ માફક તોરમાં રાચી રહ્યા છે, આ બધી જ બાબતો ઉઘાડી પડી જતાં જનાક્રોશ ચરમસીમાએ છે.
લોકોમાં રહેલો આ પ્રચંડ રોષ અને વડી અદાલત તરફથી સરકારને ખેંચવામાં આવેલાં કાનૂની ફડાકાઓને કારણે સરકારના કાનમાં તમરાં બોલી ગયા છે. આખરે સરકારે મન બનાવી લીધું કે, હવે તો કાયદો કડક બનાવવો જ પડશે. કાલે સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના મુખ્ય સચિવ સાથે બેઠક યોજી. જરૂરી ચર્ચાઓ કરી. એમ માનવામાં આવે છે કે, હવે માનવસર્જિત દુર્ઘટનાઓ સંબંધે કસૂરવારો વિરુદ્ધ કડક હાથે કામ લેવા સંબંધિત કાયદામાં આવશ્યક સુધારાઓ કરવામાં આવશે.
સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, મોરબીના ઝૂલતાં પુલની દુર્ઘટના, વડોદરાનો હરણી બોટકાંડ અને છેલ્લે રાજકોટનો ગેમઝોન અગ્નિકાંડ– ઉપરાઉપરી આ બધી દુર્ઘટનાઓ એટલી ભયાનક રહી કે, હવે લોકોનો પ્રકોપ સાતમા આસમાને છે. સરકાર હવે આ અંગેના કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે. સજાની જોગવાઈ કડક કરવામાં આવશે. અને, આવા મામલાઓમાં દર વખતે ઉચ્ચ અધિકારીઓ કોઈને કોઈ કારણસર બચી જતાં હોય છે, જેથી લોકોમાં ભારે નારાજગીઓ છે. આમ લોકોની નારાજગીઓથી બચવા હવે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ પર પણ ફોક્સ થશે. તેઓને પણ કાયદાની જોગવાઈઓ અંદર આવરી લેવામાં આવશે.
કાયદામાં એવા પ્રકારનો સુધારો આવી શકે છે કે, કોઈ દુર્ઘટના બેદરકારીઓને કારણે અથવા નિયમ પાલનની નબળાઈને કારણે સર્જાઈ હોય એવા સંજોગોમાં જો ઉચ્ચ અધિકારી કસૂરવાર જણાઈ આવે તો તેના વિરુદ્ધ માત્ર શિક્ષાત્મક પગલાંઓ જ નહીં, તેમની સામે ફોજદારી કાર્યવાહીઓ પણ કરી શકવાની વ્યવસ્થાઓ કરવામાં આવશે.
ગુજરાત સરકાર ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેઝર્સ રેગ્યુલેશન એક્ટ-2016માં સુધારાઓ કરશે. જેમાં આગ સહિતની વિવિધ દુર્ઘટનાઓનો સમાવેશ કરી લેવામાં આવશે, જેમાં બેદરકારીઓ મુખ્ય રીતે કારણભૂત હોય. મુખ્યમંત્રી તથા મુખ્ય સચિવ રાજકુમાર વચ્ચે ગાંધીનગરમાં સોમવારે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનો અહેવાલ છે.
આગામી ચોમાસુ સત્ર સુધીમાં આ માટેનું સુધારા વિધેયક વિધાનસભામાં પસાર કરાવવા સરકાર તૈયારીઓ કરશે. આ માટે સરકાર કાનૂની અને વૈધાનિક માર્ગદર્શન મેળવશે. આ સુધારાઓ એટલાં માટે જરૂરી છે કે, હૈયાત કાયદાઓ છતાં આ પ્રકારની ગંભીર દુર્ઘટનાઓ બનતી રહે છે, બેદરકારો અને કસૂરવારો પર કાયદાનો ખૌફ જોવા નથી મળતો. આથી જોગવાઈઓ કડક અને વ્યાપક બનાવવામાં આવશે. સૌ એવી અપેક્ષાઓ રાખી રહ્યા છે કે, કોઈ પણ દુર્ઘટનામાં જવાબદાર અધિકારી ગમે તે પદ પર હોય, કાયદાનો સકંજો એમના સુધી પહોંચવો જોઈએ. તમામ પ્રકારની બેદરકારીઓ માટે કોઈ ને કોઈ સત્તાવાળાને જવાબદાર લેખવા જોઈએ, તો જ તેઓ નિયમપાલન કરાવવા પ્રેરાશે અને બેદરકારીઓ ટળવાથી દુર્ઘટનાઓ બનતી અટકાવી શકાશે.