Mysamachar.in:જામનગર:
જામનગર શહેરમાં ખાણીપીણીનો ધંધો ચિક્કાર ચાલે છે. નગરજનો લાખો રૂપિયાનો ખર્ચ કરી હજારો પ્રકારના ખાદ્ય પદાર્થ આરોગે છે. નાના ધંધાર્થીઓથી માંડીને મોટાં ધંધાર્થીઓને ત્યાં, સરેરાશ રીતે પુષ્કળ ઘરાકી રહે છે. આ તમામ સ્થળોએ ખાદ્ય પદાર્થની તથા પેય પદાર્થોની કવોલિટીઝ ચેક કરવાની જવાબદારીઓ કોર્પોરેશનની ફૂડ શાખાએ બજાવવાની હોય છે અને આ જગ્યાઓ પર સલામતી સુરક્ષાના ધોરણો જળવાય છે કે કેમ, તે બાબત ફાયર શાખાએ ચકાસણીઓ કરવાની હોય છે. પરંતુ કોર્પોરેશન માત્ર રેકર્ડ ઉભું કરવા અને કામનો દેખાડો કરવા, બિલકુલ રૂટિન કામગીરીઓ કરે છે અને તેની જાહેરાતો કરે છે.
મહાનગરપાલિકાની ફૂડ શાખા નાના અને મધ્યમ કદના ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેની જાહેરાતો કરે છે. આ શાખા શહેરની મધ્યમાં આવેલી, વિકસિત વિસ્તારોમાં આવેલી, શહેરની પેરીફેરી પર આવેલી તથા શહેરની આસપાસના ધોરીમાર્ગો પર આવેલી સંખ્યાબંધ હોટેલો અને રેસ્ટોરન્ટમાં કયારેય જતી નથી. આ બધી હોટેલો અને રેસ્ટોરન્ટમાં બધું જ બરાબર ચાલી રહ્યું છે, એમ માની કેમ લેવું ? અને, ત્યાં ચેકિંગ કેમ નથી થતું ? એ પ્રશ્નો ચર્ચાઓમાં છે.

શહેરમાં જે હોટલ અને રેસ્ટોરન્ટમાં વધુ ગિરદી રહેતી હોય ત્યાં હજારો લોકોના સ્વાસ્થ્યનો પ્રશ્ન હોય છે, આ ધંધાર્થીઓ ખાદ્ય પદાર્થોના ભાવો પણ ઉંચા વસૂલતાં હોય છે, આ જગ્યાઓ પર લોકોને પોતાના નાણાંનું મહત્તમ વળતર મળે છે ? આ જગ્યાઓ પર કવોલિટીઝ તથા સ્વચ્છતા સહિતની હાઈજિનિક બાબતોના ધારાધોરણોનું પૂરેપૂરૂં પાલન થઈ રહ્યું છે કે કેમ ? તે ચકાસણીઓ કરવા ફૂડ શાખાએ ખરેખર તો આવી જગ્યાઓ પર વધુ વોચ રાખવી જોઈએ એવો એક મત છે. આ ઉપરાંત આ જગ્યાઓ પર લોકો મોટી સંખ્યામાં એકત્ર થતાં હોય છે, ત્યાં ફાયર પ્રિવેન્શન માટે યોગ્ય પગલાંઓ લેવામાં આવે છે કે કેમ ? તેની પણ નિયમિત ચકાસણીઓ ફાયર બ્રિગેડે કરવી જોઈએ. ઘણી જગ્યાઓ પર જ્યાં લોકો પરિવારો સાથે જમી રહ્યા હોય કે નાસ્તો કરી રહ્યા હોય તેની નજીક જ એક,બે કે ત્રણ ગેસ સિલિન્ડર હોય છે, આવા સ્થળોએ ગમે ત્યારે મોટી દુર્ઘટના થઈ શકે છે. તેની ચકાસણીઓ પણ જરૂરી છે.

ફૂડ શાખા હોટેલો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ માટે વર્ષો સુધી જતી નથી, એ અંગે નગરજનો મજાકમાં એમ પણ કહે છે કે, આવી હોટેલો અને રેસ્ટોરન્ટમાં કોર્પોરેશન સહિતના તંત્રોએ ખાસ મહેમાનો માટે અવારનવાર ટેબલ રિઝર્વ રખાવવાના હોય છે. આથી ચોક્કસ જગ્યાઓ પર કયારેય કોઈ પ્રકારના ચેકિંગ થતાં નથી. આ ઉપરાંત નાના ધંધાર્થીઓને ત્યાં પણ અનેક પ્રકારની અનિયમિતતાઓ અને ખામીઓ હોય શકે છે, જ્યાં ફૂડ શાખા સ્વચ્છતા વગેરે સંબંધિત માત્ર સૂચનાઓ આપી જતી રહે છે, અને આવી સૂચનાઓ રૂટિનમાં ધંધાર્થીઓને વારંવાર અપાતી રહે છે, કોઈ ભોજિયોભાઈ આવી સૂચનાઓને ગંભીર લેખતો નથી. આવા સ્થળોએ આગનું પણ ઘણી જગ્યાઓ પર ભારે જોખમ હોય છે, છતાં બધે જ, બધું જ રાબેતામુજબ ચાલતું દોડતું રહે છે અને તંત્રો પોતે કામગીરીઓ કરી રહ્યા છે એવી જાહેરાતો કરતાં રહે છે. હકીકત એ છે કે, તંત્રોની મીઠી નજર- કામચોરી અને બેદરકારીઓ અંગે સૌ, બધું જાણે છે. કોર્પોરેશનના વડા તરીકે કમિશનરે કડક વલણ અખત્યાર કરવું આવશ્યક લેખાય અને પદાધિકારીઓ પણ શહેરના ટ્રસ્ટીઓ છે, લોકોએ એમને જવાબદારીઓ સોંપી છે. તેઓએ પણ આ બધી ક્ષતિઓ દૂર કરાવવા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરવા જોઈએ.
